ટીપી (તોડપાણી) શાખાનીકારીગરી’: મકાન ઢકાઈ જાય તેવા પ્લાનને કર્યો પાસ !
ગમે એટલા ડામ' લાગે પણ સુધરવાનું તો થતું જ નથી...
કાલાવડ રોડ પર સદ્ગુરુનગર-૧માં બિલ્ડરે ૧૭ મેએ કામ શરૂ કર્યું’ને ૧૭ જૂન સુધીમાં તો બાજુમાં જ આવેલા ઘરની પશ્ચિમ દિશાની બાલ્કની બંધ થઈ ગઈ ત્યાં સુધીનું બાંધકામ પણ ખડકી દીધું !
ટીપી શાખામાં ફરિયાદ કરી તો કોઈ ખરાઈ કરવા ન આવ્યું, વારંવાર ધક્કા ખાધાં બાદ માપણી કરવા આવ્યા’ને મકાનમાલિકને કહ્યું, બધું પ્લાન પ્રમાણે જ થયું છે
મકાન માલિકે વોઈસ ઓફ ડે' સમક્ષ ઠાલવ્યો બળાપો વોઈસ ઓફ ડે, રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ જે વોર્ડમાં થયો તે વોર્ડ નં.૧૦માં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ કે જેને ટીપી શાખા અને ઘટના બાદ હવે લોકો
તોડપાણી’ શાખાના નામથી નવાજી રહ્યા છે તેના દ્વારા એક-એકથી ચડિયાતા કારસ્તાન કરવામાં આવ્યા હોવાની વાત ઉજાગર થઈ રહી છે. વોર્ડ નં.૧૦માં સદ્ગુરુનગર-૧, એ.જી.યુનિવર્સિટી રોડ પાસે આવેલા પરેશભાઈ રાવલ નામના નોકરિયાત વ્યક્તિનું પ્રતિષ્ઠા' નામનું મકાન આવેલું છે. બરાબર તેની પાછળ જ એક પ્લોટ છે જ્યાં એ પ્રકારે બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે પરેશભાઈ રાવલની આખેઆખી બાલ્કની ઢકાઈ ગઈ છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ પ્રકારનું બાંધકામ નિયમ વિરુદ્ધનું જ ગણાય છતાં ટીપી શાખા દ્વારા બાંધકામ પ્લાન કયા આધારે પાસ કરવામાં આવ્યો હશે ? આ વિશે મકાન માલિક પરેશભાઈ રાવલ દ્વારા
વોઈસ ઓફ ડે’ સમક્ષ બળાપો ઠાલવવામાં આવ્યો હતો.
પરેશભાઈ રાવલે જણાવ્યું કે દિવ્યરાજસિંહ પરબતસિંહ રાણા નામની વ્યક્તિએ ૧૭ મેથી સ્લેબ ભરવાનું શરૂ કર્યું હતું. જ્યારે આ બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તેમના આ બાંધકામને કારણે બાલ્કની ઢકાઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ દિવ્યરાજસિંહ રાણા દ્વારા તેમની વાત ધ્યાને લેવામાં આવી ન્હોતી. આ પછી તેણે એટલી ઝડપે કામ શરૂ કર્યું કે ૧૭ જૂન એટલે કે એક મહિનાની અંદર ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું મકાન બની ગયું હતું અને અત્યારે એ મકાન દોઢેક કરોડ રૂપિયામાં વેચવા પણ મુક્યું છે !
આ પછી પરેશભાઈ દ્વારા ટાઉન પ્લાનિંગ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ તેનો યોગ્ય જવાબ આપવાની તસ્દી પણ લેવામાં ન આવતાં આખરે ફરીથી તેમણે ફરિયાદ કરી હતી. એકંદરે વારંવાર કચેરીના ધક્કા ખાધાં બાદ માપણી કરવા માટે સ્ટાફ આવ્યો હતો અને તેણે માપણી પણ કરી હતી પરંતુ બાંધકામ ગેરકાયદે છે તેવું કહેવાને બદલે પરેશભાઈને નિયમો સમજાવામાં સમય વેડફી નાખ્યો હતો સાથે સાથે તેમણે રહેણાક મકાનમાં ફેબ્રિકેશનનું બાંધકામ કરેલું છે તેને કાયદેસર કરવાની સુફિયાણી સલાહ આપી હતી !
તેમણે ૧૧૨ વાર જેટલી જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળનું મકાન બનાવ્યું છે અને તેમાં લિફ્ટ પણ ફિટ કરાવી છે જે પણ નિયમ પ્રમાણે નથી ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ પ્રકારનો પ્લાન પાસ કરવામાં આખરે `ફાયદો’ કોને થયો હશે ?
કોન્ટ્રાક્ટરે કહ્યું, તમે ધ્યાનમાં જ છો, અમારા ડમ્પર ફર્યે જ રાખે છે !
પરેશભાઈ રાવલે દિવ્યરાજસિંહ રાણા ઉપરાંત મકાનનું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટર ખીમભાઈ વારોતરીયાને આ અંગે ફરિયાદ કરી તો તેણે લાજવાને બદલે ગાજીને એવી ધમકી આપી હતી કે તમે લોકો ધ્યાનમાં જ છો, અમારા ડમ્પર આખા ગામમાં જ ફરતા હોય છે ! આ પ્રકારની ધમકીથી પરેશભાઈ પણ ડઘાઈ ગયા હતા.
આખોયે મામલો પહોંચ્યો કોર્ટમાં
મકાન બનાવનાર દિવ્યરાજસિંહ રાણા કે ટીપી શાખા દ્વારા કોઈ પ્રકારની દાદ ન અપાતાં આખરે પરેશભાઈ રાવલ દ્વારા મકાનના ઈઝમેન્ટરી રાઈટસના ભંગ હેઠળ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કોર્ટમાં તેમણે એ પ્રકારે દાવો કર્યો છે કે સદ્ગુરુનગર શેરી નં.૯માં સદ્ગુરુનગરના પ્લોટ નં.૩૯માં રહેણાકના હેતુ માટે પ્લોટમાં સબ પ્લોટિંગ કરી બે મકાન બનાવવાની કામગીરી દિવ્યરાજસિંહ પરબતસિંહ રાણા સહિતના દ્વારા શરૂ કરવામાં આવી છે જે અમારા મકાનના ઈઝમેન્ટરી રાઈટસ સહિતનો ભંગ થાય છે.