માસુમ બાળકીની રમતે માતાનો ભોગ લીધો..!! રમતા-રમતા ઉંદર મારવાની દવા આઈસ્ક્રીમમાં ભેળવી, માતાએ ભૂલથી ખાઈ જતા નિપજ્યું મોત
વીરપુર ગામે રામબાગ સોસાયટી નજીક ઝુપડપટ્ટીમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાની તેની ત્રણ વર્ષની પુત્રીએ ભૂલથી રમતાં-રમતાં આઇસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા નાખી દીધી હતી. આ ઝેરી આઇસ્ક્રીમ પરણિતાએ ખાઈ લેતા તેની તબિયત લથડતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હોય જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો હતો.
મળતી વિગતો મુજબ, વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમાં રહેતી પુજાબેન વિક્રમસિહ નામની ૨૪ વર્ષની પરિણીતા બપોરે પોતાના ઘરે હોય ત્યારે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. બનાવ અંગે જાણ થતા વીરપુર પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી જઈ જરૂરી
કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પૂજાબેનના માતાએ જણાવ્યું હતું કે, દીકરીનો પતિ તેણીને તરછોડીને ચાલ્યો ગયો હોય જેથી પાંચ મહિનાથી તે તેમની સાથે રહે છે. પૂજાને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હોય જેથી તેઓએ તેમના માટે આઇસ્ક્રીમ લઈ આવ્યા હતા દરમિયાન પુજાની ત્રણ વર્ષની દીકરી રમતી હોય ત્યારે ભૂલથી આ આઇસ્ક્રીમમાં ઉંદર મારવાની ટ્યુબ નાખી દીધી હતી જે પૂજાએ ખાઈ લેતા તેણીને ઝેરી અસર થઈ હતી. ત્યારે ઘટના અંગે કોઈ અન્ય કારણ છે કે નહીં તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.