આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને અપાશે આ સુવિધા…વાંચો સમગ્ર માહિતી
- હવે સરળ ભાષામાં આવકવેરાની નોટિસ આવશે
- સીબીડીટીના ચેરમેનની જાહેરાત; નાણામંત્રીએ ટકોર કર્યા બાદ કામગીરી શરૂ થઈ ગઈ; કમિટી સમીક્ષા કરી રહી છે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
આવકવેરાની ટેક્સ નોટિસો સમજવી અઘરી હોય છે માટે આ બારામાં નાણામંત્રી નિર્મલા સીતારમને એવી સૂચના આપી હતી કે નોટિસોની ભાષા સરળ હોવી જોઈએ. આ સૂચના અંગે સીબીડીટીના ચેરમેન રવિ અગ્રવાલે ગુરુવારે મીડિયા સાથેની વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે હવેથી કરદાતાઓને અત્યંત સરળ ભાષામાં નોટિસો આપવામાં આવશે.
એમણે કહ્યું કે નાણામંત્રીની સૂચના બાદ આ બારામાં કામ શરૂ થઈ ગયું છે. એમણે કહ્યું કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961નું છે માટે ઘણી બાબતો જૂના એક્ટમાંથી જ લેવામાં આવી છે. તેને પગલે કાયદાકીય ભાષાનો જ ઉપયોગ થઈ રહ્યો છે.
જો કે આવકવેરાના અધિકારીઓ કરદાતાઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરી રહ્યા છે. હવે અમે એક્ટની સર્વગ્રાહી સમીક્ષા કરી રહ્યા છીએ . હવેથી ટેક્સ નોટિસો બોલચાલની ભાષામાં જ મોકલવામાં આવશે. બધાને સરળતા સાથે સમજાઈ જાય તે રીતે ભાષા હશે. અમારી આંતરિક કમિટી આ બાબતે સમીક્ષા કરી રહી છે.
જૂના કેસમાં 10 હજાર નોટિસો મોકલાઈ છે
દરમિયાનમાં આવકવેરા દ્વારા દેશના પ્રમુખ શહેરોમાં 10 હજાર જેટલી કંપનીઓને જૂના કેસમાં નોટિસો પાઠવી હોવાનું બહાર આવ્યું છે. ટેક્સની બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. નોટિસમાં એવો પ્રશ્ન કરાયો છે કે તમે બતાવેલી આવક અમારા મૂલ્યાંકન સાથે કેમ મેળ ખાતી નથી ? જૂના કર મામલા ફરીથી ખોલવાની જરૂર છે માટે આ નોટિસો ઇશ્યૂ કરાઇ હોવાનું આવકવેરા દ્વારા જણાવાયું હતું. અધિકારીઓએ એમ કહ્યું હતું કે અંદાજે રૂપિયા 15 હજાર કરોડની બિનઘોષિત આવકની શંકા છે માટે બધાનો જવાબ મંગાયો છે.