દેશમાં કેટલી દવાઓના ભાવમાં થયો વધારો ? ક્યારથી અમલ શરૂ ? વાંચો
પોણા બે ટકાનો વધારો છે : સ્ટેન્ટ અને એન્ટીબાયોટિક દવાઓ પણ મોંઘી
આવશ્યક દવાની કેટેગરીમાં આવતી હૃદયરોગ, જ્ઞાનતંતુ-મજ્જાતંતુની સમસ્યાઓ, કાન, નાક અને ગળાની તકલીફ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરની દવાઓ સહિતની 900થી વધુ દવાઓના ભાવમાં પહેલી એપ્રિલ 2025થી વધારો થયો છે. ડાયાબિટીસ, ચેપ સામે રક્ષણ આપતી દવાઓના ભાવમાં પણ વધારો થશે. આ ભાવ વધારો પોણા બે ટકાની આસપાસનો છે. સ્ટેન્ટના ભાવ અને એન્ટીબાયોટિક દવાઓના ભાવણો વધારો પણ અમલમાં આવી ગયો છે .
નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીએ આ ભાવ વધારાને મંજૂરી આપી છે. દર વર્ષે આ વધારો આપવામાં આવે છે. આગળના વર્ષના 2024ના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની વધઘટને આધારે આ ભાવ સુધારો કરવામાં આવે છે.
2023ની હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સની તુલનાએ ૨૦૨૪માં જોવા મળેલા વધારાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત વધારો માન્ય રાખવામાં આવ્યો છે. હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સમાં આવેલા વધારા પ્રમાણે દવાના મેન્યુફેક્ચરર્સ તેમની દવાના ભાવમાં પોણા બે ટકા સુધીનો વધારો કોઈની પણ આગોતરી મંજૂરી લીધા વિના કરી શકે છે. આ સિવાયના કિસ્સાઓમાં દવાના ઉત્પાદકોએ નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરીને ભાવમાં વધારો કરી આપવાની વિનંતી કરવી પડે છે.
હૃદયરોગના દર્દીઓ માટે વપરાતા બેર મેટલના સ્ટેન્ટની કિંમત 10,993 રૂપિયા કરી દેવામાં આવી છે. સમયાંતરે લોહીમાં દવા છોડયા કરતા સ્ટેન્ટની કિંમત 38.933 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના વધારાને આધારે તેના ભાવમાં પણ બે ટકાનો વધારો કરી શકે છે. આ વધારો 200 થી 790 રૂપિયા સુધીનો આવી શકે છે.