૫૦૦૦ની લાંચ’ને ૭૯૫ દિવસની જેલ
૨૦૧૦માં જિ. પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઇજનેરે કોન્ટ્રાક્ટર પાસેથી લીધેલી લાંચનો આવ્યો ચુકાદો
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ અધિક મદદનીશ ઈજનેરને પાંચ હજારની લાંચ બદલ ૭૯૫ દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો છે. ૨૦૧૦ કોન્ટ્રાક્ટર પાસેથી બાકી રહેલા બિલની ચુકવણી માટે રૂ.૧૦ હજારની લાંચ માંગી હતી.જેમાંથી રૂ.૫ હજારની લાંચ સ્વીકારતા ઈજનેરને એ.સી.બીએ રંગેહાથ ઝડપી લીધો હતો . જે કેસ ચાલી જતાં અદાલતે આરોપી ભરત કાછડીયાને ત્રણ વર્ષની સજા અને રૂ.૧ લાખનો દંડ ફટકાર્યો હતો.
આ કેસની હકીકત મુજબ, ફરિયાદી લક્ષ્મણભાઈ મોહનભાઈ સિંધવે વર્ષ 2010 માં રાજકોટ તાલુકાના પાડાસણ અને મેસવાડા ગામના તળાવ ઊંડા કરવાનો કોન્ટ્રાક્ટર લીધો હતો.જે કામ પૂર્ણ થતાં ફરિયાદીને જીલ્લા પંચાયત તરફથી રૂ. ૧૬ લાખ ચૂકવી આપેલા હતા અને ૨.૫૦ લાખ રૂપિયા બાકી હતા ત્યારે સિંચાઈ વિભાગના એસ.ઓ. તરીકે કામ કરતા ભરત નાગરભાઈ કાછડીયા અને તેના સહકર્મી પરસોડાએ રૂપિયા દસ દસ હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એ.સી.બીને જાણ કરતા પોલીસે ટ્રેપ ગોઠવી ભરત કાછડીયા લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.કે.વોરા રોકાયેલા હતા.