વિશ્વ વ્યાપારમાં ગુજરાતીઓનો દબદબો ઘટી ગયો છે ?
હિમાલયમાં બરફ વેચી શકે એવા ગુજરાતીને તમે છેલ્લે ક્યારે મળ્યા? યુરોપમાં ફેરનેસ ક્રીમ અને સહારાના રણમાં રેતીની ગુણો વેચી શકે એવા ગુજરાતીઓ છેલ્લે ક્યારે દેખાયા? ગુજરાતીઓ વિશે એવું કહેવાતું કે વિશ્વની માત્ર બે પ્રજા વેપારી છે એમાં પણ ગુજરાતીઓ પ્રથમ સ્થાને છે. ગુજરાતીઓના તો લોહીમાં જ વ્યાપાર હોય – આવી ઉક્તિ છેલ્લી એક સદીથી મંચ ઉપર બોલાય છે અને ઓડિયન્સ ભાવવિભોર થઇ જાય છે. જો આ ખ્યાલ સાચો હોય તો અત્યારે આપણે જે વસ્તુઓ કે સેવા વાપરીએ છીએ એમાંથી કેટલું ગુજરાતી માલિકો ધરાવતી કંપનીઓનું છે? અમેરીકામાં મોટેલ બિઝનેસ ચાલુ કરનારા, લંડનના ડિપાર્ટમેન્ટલ સ્ટોર ચાલુ કરનારા, ઓસ્ટ્રેલિયામાં કેટલાય ધંધાઓના કોન્ટ્રાકટ લેનારા ગુજરાતીઓના જે દાખલ આપણને ખબર છે એ તો બાજપેયીના કાર્યકાળ પહેલાના છે. એકવીસમી સદીના બીજા દાયકાના તાજા ઉદાહરણો કેટલા ?
ગુજરાતીઓ સિવાયની જે વેપારી પ્રજા કહેવાતી એ યહૂદીઓને તો સેંકડો વર્ષ સુધી ધંધો કરવાની પરવાનગી જ મળતી નહીં. તો પણ તેઓ ગમે તેમ રસ્તો કાઢીને બેન્કિંગ બિઝનેસમાં આવ્યા અને ફાઇનાન્સની દુનિયા ઉપર રાજ સ્થાપી દીધું. જે તે સમયના તત્કાલીન રાજાઓએ વેપાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો તો ભૂતકાળની જૂની કિંમતી ચીજવસ્તુઓના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. સિલ્ક અને ટેકસટાઇલમાં પણ છેલ્લા સો વર્ષમાં આગળ નીકળી ગયા. ગુજરાતીઓની વ્યાપાર ઇતિહાસ તો બહુ બૃહદ છે. ભારતમાં વેપારયુગ લાવનારા જ ગુજરાતીઓ. વેપાર નિપુણ ગુજરાતીઓ આખી દુનિયામાં ધંધો કરી જાણતા. સુરતમાં જહાજોનું ઉત્પાદન થતું જેની નિકાસ અમેરીકા સુધી થતી. આજે પણ ટાઇલ્સ, સિરેમિક, બોલ બેરિંગ, પમ્પ, મશીનરી જેવા ઘણા બિઝનેસમાં ગુજરાતીઓ મોનોપોલી ભોગવે છે અને ગુજરાતમાંથી માલ દેશવિદેશ જાય છે. પરંતુ ફરીથી એ જ સવાલ ઉભો થાય છે કે આ બધા વેપારના ખાતા તો દશકો જુના છે. જો હજુ પણ ગુજરાતીઓના લોહીમાં હિમોગ્લોબીન સાથે વેપાર ફરતો હોય તો છેલ્લા ઘણા વર્ષોથી નવી ગુજરાતી પેઢી નોકરી તરફ વધુ અને બિઝનેસ તરફ કેમ ઓછી વળી રહી છે?
યાદ છે લોકડાઉન દરમિયાન ગુજરાતી ભાષા એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. એમાં એક જણ ફાંકોડી ફેંકુ લાગતો હતો. તેના આધારે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ ઉપર જોક શરૂ થઇ ગયા. એ માણસ એવું કહેતો હતો કે ગુજરાતમાં રોથશચાઈલ્ડ આપણા ઘરના રસોડામાં દરરોજનું શાક નક્કી કરે છે અને એ રમૂજ પ્રસરી ગઈ હતી. ભલું થજો એ ઓડિયો વાળા ગપ્પીદાસનું કે ઘણા ગુજરાતીઓએ પહેલી વખત રોથશચાઇલ્ડનું નામ સાંભળ્યું. માનવ ઇતિહાસનું સૌથી વધુ તવંગર કુટુંબ, જે ધંધો કર્યા વિના બધા ધંધામાંથી પૈસા ઉશેટે છે. ફોર્બ્સના લિસ્ટના ટોપ ટેન અમીરો કરતા પણ વધુ પૈસા વાળું એક કુટુંબ અડધી દુનિયા ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રાજ કરે છે. કઇ રીતે? બેન્કિંગ ઇન્ડસ્ટ્રી. બેન્ક લૂંટવી હોય તો બંદૂક જોઈએ પણ દુનિયા લૂંટવી હોય તો બેન્ક જોઈએ – આ રમૂજ સાચી સાબિત કરનારો એક પરિવાર બધા જ ધંધાઓના મૂળભૂત ઘટકોના વેપારમાં મોનોપોલી ધરાવે છે અને માટે નાના-મોટા દેશોની સરકારને પોતાની રીતે નચાવી શકે છે. આટલો બધો પૈસો પણ હોઈ શકે એવું પહેલી વખત ઘણા ગુજરાતીઓને ત્યારે છેક જાણવા મળ્યું.
આપણે ત્યાં પીઝા-સલાડની ચેન આવી એ બધી અમેરીકન કંપનીઓની હતી. બર્ગર-ફાસ્ટફૂડની બધી ફ્રેન્ચાઇઝી ફોરેન કંપનીઓની. ફર્નિચર પણ ચાઈનાથી આવતું, હવે થાઈલેન્ડ કે મલેશિયાથી આવશે. પબજી જેવી ગેમ પણ આપણી નહીં. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં પણ ગુજરાતીઓ દેખાય નહીં. ફ્લિપકાર્ટ, મીંત્રા, એમેઝોન, સ્નેપડીલના માલિકોની અટકોમાં પણ આપણા વાળો મળે નહીં. ઇ-કોમર્સની દુનિયામાં ગણ્યાગાંઠ્યા ગુજરાતી દેખાય. ઇલેક્ટ્રિક વાહનોનો જમાનો આવી રહ્યો છે તો એ ધંધામાં પણ ગુજરાતીઓને બહુ રસ લાગતો નથી કે હજુ સુધી તેઓ અગ્રેસર નથી. ફેસબુક જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ કે નેટફ્લિક્સ-હોટસ્ટાર જેવા સ્ટ્રીમિંગ મીડિયા સર્વિસમાં પણ કોઈ ગુજરાતી માલિક નહીં. ટેક્સી સર્વિસમાં પણ ઓલા-ઉબેર ફોરેનથી આવી જાય. ઝોમેટો કે સ્વીગી જેવી ફીડ ડિલિવરી સર્વિસમાં ગુજરાતીઓ નોકરી કરે પણ ધંધો તો વિદેશીઓના હાથમાં. એન્ટરટેઇનમેન્ટના સાધનો જેવા કે કારવાન રેડિયો જેવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ ગુજરાતીઓના નહીં. ક્યાં સુધી આપણે એ વાતે ગર્વ લીધા કરીશું કે શેરબજાર તો આપણા હાથમાં જ છે હો બોસ. એમાં પણ રાકેશ ઝૂનઝુનવાલા જેવા હૈદરાબાદના માણસો પ્રખ્યાત થઈ જાય છે.
યહૂદીઓએ પોતાની હોશિયારી, લુચ્ચાઈ, આવડત અને ધીરજના ગુણો નથી ખોયા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જીવનનિર્વાહ કરવા માટે નોકરી કરવા ઉપર ભાર વધતો જાય છે. ફાઉન્ડેશન કોર્સ કરાવતા ટ્યુશન કલાસિસમાં કોટાથી શિક્ષકોની આયાત થાય છે. સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરાવતા કલાસીસ વધતા જાય છે અને ગુજરાતમાં યુપી, બિહાર, પંજાબ કે સાઉથથી કલાસ વન-ટુ ઓફિસરો આવતા જાય છે. બેંકો અને એટીએમની સંખ્યા ખૂબ છે પણ કેટલી પ્રાઇવેટ બેંકો ગુજરાતીએ શરૂ કરેલી છે? પ્રધાનમંત્રી કે અંબાણીને અભૂતપૂર્વ સફળતા મેળવતા જોઈને ગુજરાતી તરીકે ખુશી ચોક્કસ થાય પણ સમગ્ર ગુજરાતી સમુદાયનું શું? સમૃદ્ધ કહેવાતા ગુજરાતીઓ વાણિજ્યથી ધીરે ધીરે વિમુખ થતા જશે તો ગુજરાતીના ગુજરાતીપણાંનું શું? દેશવિદેશમાં પ્રસરેલા અને વસ્તીના રેશિયો મુજબ સૌથી વધુ એનઆરઆઈ બનેલા ગુજરાતી પ્રજા પાસે એકસો વર્ષ પછી ધંધાધાપાના નામે ખાસ કશું નહીં હોય શું? પહેલો સવાલ તો એ છે કે આપણી વેપારશાહી ઝાંખી થવાનું કારણ શું છે? વ્યાપાર ઉપરનો આપણો ઇજારો ક્યાં ગયો?