ગુજરાત હાઈકોર્ટે 2 વર્ષમાં 13થી વધુ દુષ્કર્મ પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી, એકની ઉંમર તો ફક્ત 14 વર્ષ
રાજ્યમાં નારીની સુરક્ષાના દાવા વચ્ચે અનેક દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં નાની બાળાથી લઈને વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. દુષ્કર્મના આરોપીને તો પોલીસ દ્વારા પકડી લેવામાં આવે છે પરંતુ આ તરફ સગીરા ભાંગી પડી હોય છે. અમુક કિસ્સાઓમાં તો સગીરાને ગર્ભ પણ રહી છે જાય છે ત્યારે વાત કરીયે ગુજરાત હાઇકોર્ટની તો હાઇકોર્ટે 13થી વધુ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી જેમાં 10 સગીરાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે ત્યારે સગીરા-મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલ ઉઠયા છે.
14 વર્ષીય દુષ્કર્મની પીડિતાએ કરી’તી અરજી
વલસાડની 14 વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની હતી જે બાદ ગુજરાત હાઇકોર્ટમાં પીડિતાના પિતા દ્વારા સગીરાનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી ત્યારે આ મામલે હાઇકોર્ટે સુનાવણી કરીને સગીરાની મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. એ બાદ હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી.
13 પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટના આંકડા પર જો એક નજર કરીએ તો 2 વર્ષમાં હાઇકોર્ટે 13 દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હતી જેમાં 10 સગીરાનો સમાવેશ થાય છે. નિયમ અનુસાર મહિલા 24 અઠવાડિયા સુધીમાં જ ગર્ભપાત કરાવી શકે પરંતુ હાઇકોર્ટ દ્વારા બધા કેસની જેમ જ આ કેસનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળે છે કે દુષ્કર્મના કારણે સગીરા દુર્ભાગ્યપૂર્ણ રીતે સગર્ભા બની હતી જો તેની ગર્ભાવસ્થા ચાલુ રહે તો તેનો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે ત્યારે જીવન-મરણના પ્રશ્ન વચ્ચે કોર્ટ પીડિતાની વ્યથા પ્રત્યે મૂક દર્શક બની શકે છે.
ગર્ભધારણ બાદ ગર્ભપાતનો નિયમ શું છે ?
2021 માં, MTP સુધારો અધિનિયમ 2021 પસાર કરવામાં આવ્યો હતો જેમાં MTP અધિનિયમ 1971 માં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા, જેમ કે ગર્ભનિરોધક નિષ્ફળતાના આધારે મહિલાઓને સુરક્ષિત ગર્ભપાત સેવાઓ મેળવવાની મંજૂરી, ખાસ શ્રેણીની મહિલાઓ માટે ગર્ભાવસ્થા મર્યાદા 24 અઠવાડિયા સુધી વધારવામાં આવી હતી, અને ગર્ભપાત સેવા પ્રદાતાનો અભિપ્રાય 20 અઠવાડિયા સુધી જરૂરી હતો. ગર્ભપાત હવે ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી કરી શકાય છે .
કાળજી રાખવા હોસ્પિટલના તબીબોને સૂચના
હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી આપતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વિરૂદ્ધનો કેસ પુરવાર કરવા સગીરાના ગર્ભની પેશીના ડીએનએ સેમ્પલ પણ જાળવી રાખવા હોસ્પિટલ સત્તાધીશોને ખાસ તાકીદ કરી હતી, જેને એફએસએલમાં મોકલવા જણાવ્યું હતું.