વિદ્યાના ધામમાં દલિત વિદ્યાર્થિની સાથે ભેદભાવ : પહેલીવાર પિરિયડ્સમાં થતાં ક્લાસરૂમની બહાર લખાવ્યું પેપર
દેશમાં માસિકધર્મ વિશે ધીમે-ધીમી જાગૃતિ આવતી જાય છે. શાળાનો ફાળો આ બાબતમાં મોટો છે ત્યારે શાળાની જ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે જેમાં 13 વર્ષની દલિત સગીરાને માસિક ધર્મ આવતા તેના સાથે ભેદભાવ કરીને ખાનગી શાળાના વર્ગખંડની બહાર સીડી પર પરીક્ષા આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. આ ઘટના તમિલનાડુના કોઈમ્બતુરના સેંગુટ્ટાઈપલયમ ગામની એક ઉચ્ચ માધ્યમિક શાળામાં બની હતી. જિલ્લા શાળા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા જણાવ્યું હતું કે છોકરી પ્રત્યે કથિત ભેદભાવ બદલ શાળાના મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલાની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના ??
પિરિયડસ કે જેને માસિક ધર્મ પણ કહેવામાં આવે છે. હાલ ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ટીવીના માધ્યમ દ્વારા પણ પિરિયડ્સને લઈને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્યારે ભેદભાવની એક ઘટના તમિલનાડુના કોઈમ્બતુરના સેંગુટ્ટાઈપલયમ ગામમાં સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતી આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને ક્લાસની બહાર સીઢી પર પરીક્ષા આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. કારણ કે, તેને પહેલીવાર પીરિયડ્સ આવ્યા હતાં. છોકરીની માતા દ્વારા રેકોર્ડ કરાયેલ એક વિડિઓ, જેમાં તેણીને સીડી પર પરીક્ષા લખતી દર્શાવવામાં આવી છે, બુધવારે સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો.
શાળા મેનેજમેન્ટે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી મુખ્ય શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી હતી. શાળા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરીની માતાએ છોકરીનો પહેલો માસિક સ્રાવ હોવાથી પરીક્ષા આપવા માટે અલગ વ્યવસ્થા કરવાની વિનંતી કરી હતી.
“પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે માતાને આ વ્યવસ્થાની જાણ હતી. હાલમાં આઠમા ધોરણમાં ભણતી છોકરીને 5 એપ્રિલે માસિક સ્રાવ શરૂ થયો હતો. 7 એપ્રિલે તેણીને વિજ્ઞાનની પરીક્ષા અને 9 એપ્રિલે તેણીને સામાજિક વિજ્ઞાનનું પેપર સીડી પર બેસાડીને આપવાનું કહેવામાં આવ્યું હતું,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું.
પોલીસે કાર્યવાહી કરી
મોડી રાત્રે થયેલી કાર્યવાહીમાં, કોઈમ્બતુર પોલીસે શાળાના સંવાદદાતા સહિત ત્રણ લોકો સામે અત્યાચાર નિવારણ (SC/ST) કાયદાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો. આ ઘટનાથી આક્રોશ ફેલાયો હતો અને ઘણા કાર્યકરોએ વિદ્યાર્થીને વર્ગની બહાર બેસાડીને પરીક્ષા આપવાના શાળાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે, સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ, આ કૃત્ય અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.