સરકાર ખેડૂતોના ખંભે બંધૂક મુકી વીજ કંપનીને ફાયદો કરાવવા માંગે છે: પરિપત્રનો સખત વિરોધ
રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા
રાજ્યમાં ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલા ખેડૂત આંદોલન હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચી ગયું છે. રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાના ખેડૂતોને વીજ લાઈન નાખવા માટે નોટિસ મળ્યા બાદ આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦૦થી વધુ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકારના પરિપત્રનો ઉગ્ર વિરોધ કરી જમીનની બજાર કિંમત કરતાં ચારગણું વળતર અથવા ટાવરનું માસીક ભાડુ ૫૦,૦૦૦ અથવા એક વીજપોલ દીઠ ૨ કરોડની માંગણી કરી ખાનગી વીજ કંપની વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટ જિલ્લાના પડધરી, લોધીકા, ગોંડલ, જસદણ અને વિંછીયા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે ધસી જઈ ખાનગી વીજ કંપની વિરૂધ્ધ ઉગ્ર દેખાવો કરી રાજ્ય સરકારે તા.૪-૭-૨૬ના રોજ બહાર પાડેલ પરિપત્રનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ સરકારે પરિપત્રના નામે ખેડૂતોના ખંભે બંધૂક રાખી ફોડવાનો પ્રયત્ન કર્યો છે, તેનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જમીનની કિંમત નક્કી કરવા (૧) ખેડૂત વેલ્યુઅર (૨) કંપનીનો વેલ્યુઅર અને (૩) કલેક્ટરનો વેલ્યુઅર ભાવ નક્કી કરી તેને બંધ કવરમાં મુકી તેનો ડ્રો કરવામાં આવે જેમાં બે કવર ખેંચીને જેનો ઓછો ભાવ હશે તે ખેડૂતની જમીનનો ભાવ ગણાશે જેના કારણે ખેડૂતોને જ નુકસાન થશે.
સરકારની કંપની તરફની નીતિના કારણે સરકારી વેલ્યુઅર અને ખાનગી કંપનીનો વેલ્યુઅર જમીનની બજાર કિંમત સાવ ઓછી આકારણ કરશે અને તે મુજબ ભાવ લખી બંધ કવરમાં મુકશે. આમ, કોઈપણ બે કવર ખેંચવામાં આવે તેમાં ખેડૂત તો આપોઆપ નીકળી જો અને ખાનગી કંપનીને જ ફાયદો થશે જેના કારણે આ પરિપત્રનો વિરોધ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: હુમલા રોકવા અંગેની ટ્રમ્પની જાહેરાતની મજાક કરીને કહ્યું, હવા નીકળી ગઈ
વધુમાં પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકારની ૨૦૦ ટકા વળતરની યોજના પણ છેતરામણી છે જેનો માત્ર ૩ ટકા ખેડૂતોને લાભ મળશે. જ્યારે બાકીના ૯૭ ટકા ખેડૂતો કોરિડોરમાં આવી જતાં હોય તે મુજ્બ શહેરી કોરિડોરમાં આવતા ખેડૂતોને ૬૦ ટકા, નગરપાલિકા કોરિડોરમાં આવતા ખેડૂતોને ૪૫ ટકા અને ગ્રામ્ય કોરિડોરમાં આવતા ખેડૂતોને ૩૦ ટકા વળતર મળશે.
આ સાથે ખેડૂત નેતા પાલભાઈએ સરકારની કુટનીતિને પણ ઉઘાડી પાડતા જણાવ્યું હતું કે, સરકારે જે વેલ્યુઅરની યાદી જાહેર કરી છે તે તમામ વેલ્યુઅર બિનખેતી જમીનના છે. જ્યારે ખેતીની જમીનના એક પણ વેલ્યુઅરનું લિસ્ટ જાહેર કર્યું નથી.
આ તકે તેમણે ખેડૂતાને પણ સજાગ રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, અમુક સરકારના પીઠુ ખેડૂત નેતા બની પોતાને બિન રાજકીય નેતા ગણાવી ખેડૂતોને ભરમાવી રહ્યા છે અને આંદોલનને ઉગ્ર બનાવી ખરપીયા, દાતરડા ઉપાડવાની વાત કરી સરકારની સામે ખેડૂતોને ભીડવી દેવા માંગે છે જેના કારણે ગુના દાખલ થાય અને આંદોલન તૂટી જાય.
તા.૧૧ ઓગસ્ટથી ત્રણ દિ’ ટંકારામાં ખેડૂત સેમિનાર
ખાનગી વીજ કંપની હોય કે પછી ખાનગી ગેસ લાઈન કંપની સામે ખેડૂતોએ મોરચો માંડી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને સજાગ કરવા અને આંદોલનની આગામી રણનીતિ ઘડી કાઢવા માટે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આગામી ૧૧,૧૨ અને ૧૩ ઓગસ્ટના રોજ ટંકારા ખાતે ત્રણ દિવસ ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવવા માગતા ખેડૂતોએ ફરજિયાત રજિસ્ટે્રશન કરાવવું પડશે.
વીજલાઈનથી ખેતીની કિંમત કોડીની થઇ જાય છે
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જે ખેડૂતના ખેતરમાંથી વીજલાઈન પસાર થાય છે અથવા તો ખેતરમાં વીજટાવર નાખવામાં આવે છે તે ખેતીની જમીન કોડીના ભાવે પણ કોઈ ખરીદતું નથી. જ્યારે શોર્ટ સર્કિટના કારણે અથવા તો વીજપોલ તૂટી પડવાના કારણે ખેતરમાં આગ લાગવાથી ઉભો પાક બળી જાય છે જે નુકસાન ખેડૂતોને ભોગવવું પડે છે.
