વોઇસ ઓફ ડે રાજકોટ
ગોંડલના બિલિયાળા પાસેથી રૂરલ એલસીબીએ ફિલ્મી ઢબે સ્કોર્પિયો કારનો પીછો કરી 400 લીટર દારૂ સાથે ચોટીલાના ડાકવડલા ગામના વિપુલને દબોચી રૂ.2.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે દારૂ મોકલનાર ખાટડીના દોલું ગોવાળિયાનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
માહિતી મુજબ રૂરલ એલસીબી પીઆઈ વિજય ઓડેદરાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ રાઠોડ, એ.આર.ગુજરાતી સહિતનો સ્ટાફ બાતમી આધારે ભુણાવા પાટીયા નજીક વોચમાં હતો ત્યારે ત્યાંથી પસાર થયેલી સ્કોર્પિયો કાર જીજે-03-સીએ-0747 ને રોકવાનો ઇસારો કરતા તેના ચાલકે કાર ઉભી રાખી ન હતી.
તેને કાર ગોંડલ તાલુકાના બીલીયાળા ગામ બાજુ ભગાડતા સ્ટાફે તેનો પીછો કરતા સ્કોર્પિયો કાર ચાલકે બીલીયાળા ગામથી યુ-ટર્ન મારી પુરેવર ફુડની સામે નેશનલ હાઇવે ઉપર ડીવાઇડર પર ચડાવી કારચાલક નાશી જતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આરોપીને પકડી લીધો હતો.અને તેનું નામ પુછતા ચોટીલાનો વીપુલ ધીરા ઉઘરેજીયા હોવાનું જણાવ્યું હતું. કારમાં તપાસ કરતાં પાછળની સીટ ઉપર દેશીદારૂના બાચકા ભરેલ હોઈ જે બાચકાઓ બહાર કાઢી ગણી જોતા કુલ 16 બાચકા હતા. કુલ 400 લીટર દેશીદારૂ અને સ્કોર્પિયો કાર મળી કુલ રૂ.2.09 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આ દારૂ ખાટડીના દોલુએ મોકલ્યાની કબૂલાત આપતા તેની શોધખોળ શરૂ કરી છે.