- રિબડા અને જામવાડી જીઆઇડીસી વિસ્તારમાં રૂમ બહાર સૂતેલા લોકોને નિશાન બનાવતો: રૂરલ એલસીબીએ ગોમટા પાસેથી દબોચ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી. વિસ્તાર અને રિબડામાં રૂમની બહાર સૂતેલા મજૂરોના મોબાઈલ ચોરતો કેશોદના વિક્રમ ઉર્ફે ઇટલીને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોમટા પાસેથી પકડી પાડી તેની પાસેથી 11 મોબાઈલ મળી રૂ.64000ની મુદામાલ ક્બ્જે કર્યો છે.
માહિતી મુજબ રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબદારીમાં પીએસઆઇ એચ.સી.ગોહીલ, એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે ગોંડલ તાલુકાના ગોમટા ચોકડી પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ 11 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન સાથે કેશોદના મેસવાણ ગામના આરોપી વિક્રમ ઉર્ફે ઇટલી મનુ મક્કાને પકડી પાડ્યો હતો. અને તેની પૂછતાછ કરતાં તેને કબૂલાત આપી હતી કે, દસેક દિવસ પહેલા વહેલી સવારના સમયે ગોંડલ જામવાડી જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલ અલગ અલગ કારખાના મજુર બહાર સુતા હોય તેના પાંચ મોબાઈલ ફોનની ચોરી કરી હતી.
ત્યારબાદ આઠેક દિવસ પહેલા વહેલી સવારના સમયે ગોંડલ તાલુકાના રીબડા ગુંદાસરા વચ્ચે જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલા અલગ અલગ કારખાના મજુર બહાર સુતા હોય તેઓના 3 ફોનની ચોરી કરી હતી.તા.23/6ના વહેલી સવારના સમયે ગોંડલ તાલુકાના ચરખડી ગામના પાટીયા પાસે વાડીમાં સુતેલા એક વ્યક્તિનો ફોન ચોરયો હતો. તેમજ ગોમટા ગામના રેલ્વે સ્ટેશન પાસે વાડીમાં સુતેલા બે વ્યક્તિના ફોનની ચોરી કરી હતી. આરોપીને ગોંડલ તાલુકા પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.