સોનું સવાયું : 1,00,000ની સપાટીએ પહોંચ્યા બાદ 1,25,000 તરફ દોટ, વાંચો સોનાના ભાવ અને માંગ વિશે શું કહે છે ઝવેરીઓ
વૈશ્વિક બજારમાં સોનાની જબરી ડિમાન્ડ ઉભી થતાં ગોલ્ડ માટે ગોલ્ડન ટાઈમ સાથે દરેક પરીબળો વચ્ચે સેફ હેવન સાબિત થઈ રહ્યું છે.એક મહિનામાં 10 ગ્રામએ 6000 અને 4 મહિનામાં 20,000ના વધારા સાથે રેકોર્ડબ્રેક નવી સપાટી 1,00,000 ને પાર કરી જતાં સોનાં અને ચાંદી બંને કિંમતી ધાતુનો સુવર્ણકાળ શરૂ થયો હોવાનું તારણ છે.
આગામી સપ્તાહમાં “અખાત્રીજ”નું શુકનભીનું પર્વ આવી રહ્યું છે.રાજકોટ,ગુજરાત સહિત દેશભરમાં અક્ષયતૃતિયાએ સોનાની ખરીદી કરવાની પરંપરા છે.દરેક વર્ગ નાની-મોટી ખરીદી કરી આ પર્વ પર શુકન સાચવે છે.સોનાનો ભૂતકાળ જોઈએ તો ભવ્ય છે,દર વર્ષે અખાત્રીજએ સોનું મજબૂત સ્થિતીમાં હોય છે.સોમવારે ઐતિહાસિક સપાટીએ સોનાનો ભાવ પહોંચી ગયા બાદ રાજકોટની અને દેશ-દુનિયાભરમાં ‘ગોલ્ડ’માટે પ્રચલિત સોનીબજારના ઝવેરીઓ આ પરિસ્થિતિને કઈ રીતે મૂલવે છે..? અખાત્રીજ અને લગ્નની સીઝનમાં કેવી માંગ રહેશે..? અનિશ્ચિતતા વચ્ચે ભાવ કઈ સપાટી પર રહેશે..? તેનાં વિશે શું કહે છે ઝવેરીઓ….
રિટેલ સેકટર માટે નબળું,ઇન્વેસ્ટરો માટે ફાયદો: હરેશ સોની(પ્રેમજી વાલજી જવેલર્સ)

રાજકોટનાં જાણીતા પ્રેમજી વાલજી જવેલર્સનાં હરેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, હાલમાં એક બાજુ તેજી ચાલી રહી છે, ઇન્ટરનેશનલ માર્કેટ ના લીધે સોનાના ભાવ વધી રહ્યા છે.ટ્રમ્પ દ્વારા ત્રણ દિવસ પહેલા વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી તેના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે હંમેશા જ્યારે વ્યાજ દર ઘટે ત્યારે સોનાંના ભાવમાં ઉછાળો આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી સોનાના ભાવમાં છે વધ-ઘટ ચાલી રહે છે તેની પાછળનું એક કારણ એ પણ છે કે,ડોલર તૂટે અને સામે ચીને પણ કાઉન્ટર કરી મોટા પાયે ખરીદી શરૂ કરી છે.આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થાય એવી કોઈ સંભાવના દેખાતી નથી.ભાવને કારણે રિટેલ સેકટર નબળું પડ્યું છે.જ્યારે ઇન્વેસ્ટરો માટે ગોલ્ડ સેફ હેવન સાબિત થઈ રહ્યું છે.હરેશભાઇનાં મત મુજબ,અખાત્રીજએ સોનાના ભાવ વધેલા જ હોય છે.
પીળી ધાતુએ ખરીદદારોનો વિશ્વાસ અકબંધ રાખ્યો છે:હિરેન પારેખ(શિલ્પા લાઈફસ્ટાઇલ)

છેલ્લા 75 વર્ષનો ઇતિહાસ જોઈએ તો સોનાએ ક્યારેય નિરાશા નથી આપી,હવે તો સોનાનો સુવર્ણકાળ શરૂ થયો છે,1 લાખની સપાટી ક્રોસ થઈ ગઈ છે એટલે બજારમાં ખરીદીમાં સુસ્તી છે પણ સેફ હેવન સાબિત થયું હોવાને પગલે મહિલાઓથી લઈ મોટાભાગે લોકો પીળી ધાતુમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે તેમ જણાવતાં શિલ્પા લાઈફ સ્ટાઇલનાં હિરેન પારેખનાં મત અનુસાર,અખાત્રીજના શુભ અવસર પર ખરીદદારો તેમની ક્ષમતા અનુસાર નાની કે મોટી ખરીદી કરે છે,આટલાં વર્ષોનો રિપોર્ટ છે કે અક્ષય તૃતીયાના અવસર પર ક્યારેય સોનાના ભાવ ઉંચી સપાટીથી નીચે નથી ઉતર્યા. છેલ્લા ચાર મહિનામાં જે રીતે ભાવમાં ઉછાળો આવ્યો છે તેના કારણે ધૂમ ખરીદીને બ્રેક લાગી છે.અટયરે એક લાખની ઐતિહાસિક સપાટી સોનુ પહોંચી ગયા બાદ ૩૦ ટકા જેટલું માર્કેટ ડાઉન હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
લાંબાગાળે સોનું અને ચાંદીનું રોકાણ શ્રેષ્ઠ વળતર આપે છે:મયુર આડેસરા(પ્રમુખ,જેમ્સ એન્ડ જવેલર્સ એસો.)

રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ આડેસરાએ જણાવ્યું હતું કે, સોનામાં રોકાણ કરવું એ વિશ્વાસનિય રહ્યું છે. લાંબા ગાળે સોનુ અને ચાંદી બંનેમાં રોકાણ લાભ આપશે,ભવિષ્યમાં તેજી યથાવત રહેશે નાના-મોટા કરેક્શન આવશે પણ લોકો માટે સલામત રોકાણ તરીકે આ બંને ધાતુ સાબિત થઈ છે. સોનામાં તેજીનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે એટલે જ 4 મહિનામાં 25 ટકા જેટલું આકર્ષક રિટર્ન અન્ય રોકાણ કરતાં ગોલ્ડ એ આપ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટેરીફ વોર જ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.ખાસ કરીને આપણે ત્યાં પ્રસંગોમાં પીળી ધાતુ આપવાની પરંપરા ચાલતી આવે છે,જેના કારણે મધ્યમ અને શ્રીમંત પોતાના દીકરી કે દીકરા માટે ખરીદી કરે છે આથી વધેલા ભાવ સાથે સોનાની માંગ રહે છે.
મોંઘુ પણ વેલ્યુબલ સાબિત થઈ પીળી ધાતુ:સોહમ સાહોલિયા(વી.જી.ગોલ્ડ)

આગામી 6 મહિનામાં સોનાની સપાટી 1.25 લાખ સુધી પહોંચી જશે તેવું તારણ કાઢતાં વી.જી.ગોલ્ડનાં સોહમ સાહોલિયા આ મુદ્દે જણાવે છે કે,4 મહિનામાં સોનાનો ભાવ જે રીતે વધ્યો એને પચાવતા હજુ સમય લાગશે.ગત અખાત્રીજએ સોનાનો ભાવ 10 ગ્રામનો 75,000 હતો એજ 10 ગ્રામ સોનુ આ અખાત્રીજે 1 લાખમાં મળશે,આમ, જોઈએ સોનાએ હંમેશા વધુ વળતર આપ્યુ છે,સંકટ સમયનો સાથી બન્યું છે એમ ચોક્કસ કહી શકાય.મોંઘુ પણ વેલ્યુબલ કહી શકાય.અમે હજુ લોકોને સોનામાં રોકાણ માટેની સલાહ આપી એ છીએ.દાગીના કરતાં બિસ્કિટ અને ગીનીની માંગ વધુ છે.ખાસ કરીને મહિલાઓ પોતાની નાની નાની બચત કરીને પણ 10 કે 20 ગ્રામની ગીની ખરીદી રોકાણ કરે છે.