આજે રેસકોર્સ સ્ટેડિયમમાં એક કલાક સુધી ફટાકડાના ધૂમ-ધડાકા
મહાપાલિકા દ્વારા ભવ્ય આતશબાજી યોજાશે: સાંજે ૭થી ૮ સુધી ફટાકડાની અવનવી વેરાયટી જોવા મળશે: લોકોને ઉમટી પડવા હાકલ
દિવાળી પર્વની રંગેચંગે ઉજવણી શરૂ થઈ ચૂકી છે. આજે દેશભરમાં ધનતેરસનું પર્વ ઉજવાશે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમ પર ભવ્યાતિભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ૭ વાગ્યાથી આ આતશબાજીનો પ્રારંભ થશે જે એક કલાક સુધી ચાલશે. આતશબાજી કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાના હસ્તે કરવામાં આવશે જેમાં ઉમટી પડવા લોકોને મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.
મહાપાલિકા દ્વારા દર વર્ષે આ પ્રકારની આતશબાજી યોજવામાં આવી રહી છે જે ૪૫ મિનિટ સુધી યોજાતી હતી. જો કે આ વર્ષે તેમાં ૧૫ મિનિટનો વધારો કરીને કાર્યક્રમ એક કલાકનો રાખવામાં આવ્યો છે અને ફટાકડાની અવનવી વેરાયટીનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફટાકડાની ખરીદી પણ ટેન્ડરથી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, સાંસદ મોહન કુંડારિયા, રામભાઈ મોકરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશ ટીલાળા, મેયર નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે મહાપાલિકા દ્વારા `દિવાળી ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન બુધવારે જ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રેસકોર્સ રિંગરોડ ફરથે થીમ બેઈઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો એન્ટ્રી ગેઈટ અને સેલ્ફી પોઈન્ટસ પણ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે આવતીકાલે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી છે.