શાપરની ઘટના : કૂતરું ભસતા ગભરાઈને ભાગેલો બાળક પાણીના ખાબોચિયામાં પડ્યા બાદ ઘટના સ્થળે જ શ્વાસ છોડ્યા
બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવતા શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ
શાપર વેરાવળમાં રક્ષાબંધનના તહેવાર પહેલા જ પરિવારના બે બહેનોના એકના એક ૮ વર્ષીય ભાઈનું વીજશોક લગતાં મોત નિપજ્યું હતું. કૂતરું ભસતા ગભરાઈને ભાગેલો બાળક પાણીના ખાબોચિયામાં પડ્યો જોકે પાણીમાં ખુલ્લો વાયર પડ્યો હોય જેના લીધે બાળકને વીજશોક લગતાં જ તેનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ શાપરના રાજન ગેઇટ પાસે રહીને એટોપ કંપનીમાં મજૂરીકામ કરતો સુમનભાઈ રવાણીનો પરિવાર અહીં રહે છે. બુધવારે સાંજે છ વાગ્યાની આસપાસ તેમનો ૮ વર્ષનો પુત્ર ઋતુરાજ ઘરની નજીક હતો. આ સમયે અચાનક કૂતરું ઋતુરાજ તેની પાછળ ભસતા બાળક ગભરાઈને ભાગ્યો હતો.ભાગવા જતાં નજીકમાં ભરાયેલા પાણીના ખાબોચિયામાં તેનો પગ પડ્યો હતો. કમનસીબે, ત્યાં આવેલા સબ-સ્ટેશનમાંથી એક ખુલ્લો જીવંત વીજ વાયર એ પાણીમાં પડેલો હતો. પાણીમાં પગ મુકતા જ બાળકને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો જે બાદ આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરી હતી. જોકે, ૧૦૮ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતાં બાળકને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: દારૂની હેરાફેરી માટે નવો કિમિયો, મહિલા અને બાળકને સાથે રાખ્યા તો’ય પકડાયો
રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે જ બે બહેનોના આ એકના એક વહાલસોયા ભાઈના અચાનક મોતથી પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે તંત્રની બેદરકારી અને ખુલ્લા વીજ વાયરને કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવતા અહીંના રહેવાસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
