જો જો… ભૂલથી આ રસ્તા પર ન નીકળતા !! રાજકોટના લોકમેળાને પગલે આ 7 માર્ગો ઉપર વાહનોને પ્રવેશબંધી
- કિશાનપરા, જિલ્લા પંચાયત ચોક, સહિતના વિસ્તાર નો પાર્કિંગ ઝોન
રાજકોટ : રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, ત્યારે લોકો સરળતાથી હરીફરી શકે તથા ટ્રાફિકનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અલગ-અલગ સાત માર્ગો ઉપર વાહનોને પ્રવેશબંધી ફરમાવી કિશાનપરાથી મહિલા કોલેજ અંડર બ્રિજ સુધી ખાનગી લકઝરી બસોને પણ પાંચ દિવસ માટે પ્રવેશબંધી ફરમાવતા ટ્રાફિકનું ભારણ કાલાવડ રોડ ઉપર વધશે.
આગામી તા. ૨૪થી ૨૮ ઓગસ્ટ, લોકમેળા દરમિયાન રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ, જૂના એન.સી.સી. ચોક, અંડર બ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી (૩) આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી(૫) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી (૬) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ ફરમાવી છે. (૭) વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તેમજ (૮) મહિલા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઇવેટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ આવી શકશે નહીં પણ ટાગોર રોડથી જઈ શકશે.
વધુમાં પ્રવેશબંધીના જાહેરનામાને પગલે (૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ-ગાંધીગ્રામ તરફ જઈ શકાશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (૨) આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઈ શકાશે. (૩) મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે.