રાજકોટના નાનામવા સર્કલમાં ટ્રાફિક માટેની ડિજિટલ સિસ્ટમ બંધઃ ઇંધણનો ધૂમાડો,વાહનચાલકોને સિગ્નલ મળતું નથી
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયંત્રણ માટે કરોડો રૂપિયાનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હોવા છતાં, આજે પણ અનેક ટ્રાફિક સિગ્નલ પર મૂળભૂત સુવિધાઓની ખામી લોકો માટે માથાનો દુખાવો બની રહી છે. શહેરના મોટાભાગના વ્યસ્ત ચોક પર ટ્રાફિક સિગ્નલમાં ટાઈમર દેખાવાની જગ્યાએ માત્ર STOP લખાયેલું જ દ્રશ્યમાન થાય છે, જેના કારણે વાહનચાલકોને કેટલી સેક્નડ સુધી ઊભા રહેવાનું છે તેની કોઈ જાણકારી મળતી નથી. આ અસ્પષ્ટતાને લીધે મોટાભાગના લોકો સિગ્નલ પર વાહન ચાલુ જ રાખે છે, જેની સીધી અસર પર્યાવરણ અને લોકોના ખિસ્સા પર પડી રહી છે.
વાહનો ચાલુ રહેવાથી વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને પેટ્રોલ-ડીઝલ જેવા કિંમતી ઈંધણનો મોટાપાયે બગાડ થઈ રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર અને ઓટો-રિક્ષા ચાલકો લાંબા સમય સુધી વાહન બંધ ન કરતા હોવાથી એક જ જગ્યાએ ધુમાડો ફેલાય છે, જે આસપાસ ઊભેલા અન્ય નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચો :વાઈબ્રન્ટ સમિટ: અંબાણી-અદાણી સહિતના ઉદ્યોગપતિઓના ચાર્ટર વિમાન રાજકોટના જૂના એરપોર્ટ ઉપર આવશે
નાનામવા સર્કલ ચોક માં સમય દર્શાવતી ડિજિટલ ગણતરીની સિસ્ટમ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને માત્ર ઝબકતી લાઈટો જ નજરે પડે છે. સ્થાનિક વાહનચાલકોના મતે, જો ટાઈમર યોગ્ય રીતે કાર્યરત હોય તો તેઓ નિશ્ચિત સમય માટે એન્જિન બંધ કરી શકે, જેનાથી ઈંધણની બચત સાથે પ્રદૂષણ પણ ઘટાડી શકાય. તંત્રએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને તાત્કાલિક અસરથી તમામ સિગ્નલ પર ટાઈમર શરૂ કરવા જોઈએ તેવી જાહેર જનતા દ્વારા ઉગ્ર માંગ ઉઠી રહી છે.
