રાજકોટની મેટોડા પોલીસ જ ગુનેગારો સાથે ભળેલી? હત્યાના પ્રયાસના ગુનામાં બુટલેગરને બચાવાયો?
રાજકોટની મેટોડા પોલીસ દેશી-વિદેશી દારૂના ખુલ્લેઆમ થતાં વેચાણ કે જાણે અડ્ડાઓને છૂટ હોય તેવા વાદવિવાદ કે ચર્ચામાં રહે છે. થોડા સમય પૂર્વે જ પોલીસ મથકની નજીક જ ઓરડીમાંથી લાખોનો દારૂ પકડાયો હતો છતાં હજુ બધું ત્યાં હેમખેમ જેવું જ રહ્યું. અધિકારીથી લઈ સ્ટાફ, કહેવાતા વહીવટદાર કોઈનો વાળ વાંકો ન થયો સસ્પેન્ડ તો શું બદલી પણ ન થઈ ત્યાં ફરી એક નવો વિવાદ ઉભર્યો છે. મેટોડા પોલીસે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં બુટલેગર પરેશ દરજીને બચાવી કે ઉગારી લીધો અને જે વ્યક્તિ ઈજાગ્રસ્ત સાથે હોસ્પિટલ હતો તેને આ ગુનામાં ફીટ કરી જેલમાં ધકેલી દીધો હોવાથી એસ.પી. સહિતના અધિકારીઓને લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે પગલાંની માગણી કરી છે.
પડધરીના નાના ઈટાળા ગામે રહેતા તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજાની મેટોડા પોલીસે ગત તા.18ના રોજ મેટોડામાં યશપાલસિંહ ચંદુભા ગોહિલ પર છરી વડે ખૂની હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. જે બનાવમાં તેજપાલસિંહના ભાઈ ચેતનસિંહ દ્વારા એસપીને સંબોધીને એવી લેખિત રજૂઆત ફરિયાદ કરાઈ કે મેટોડા ગેટ નં.2ની અંદર પરેશ દરજી નામના બુટલેગરની ઓફિસ પાસે બિયરના ડબલાને લઈને યાજ્ઞિક કોળી નામનો શખસ જોરશોરથી ગાળો બોલતો હોવાથી તેજપાલસિહ તથા યશપાલસિંહને માથાકૂટ થઈ હતી.
જેનો ખાર રાખી બીજા દિવસે તા.19ના પરેશ દરજી અને યાજ્ઞિક બન્નેએ મળી યશપાલસિંહ પર ખૂની હુમલો કરાવ્યો હતો. યાજ્ઞિક તેમજ ઈમરાન બાપુડી અન્ય માણસો આવ્યા હતા. ઈમરાને યશપાલસિંહ ગોહિલને છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ખૂની હુમલામાં યશપાલસિંહને સારવારમાં લઈ જવાયા હતા ત્યાં હોસ્પિટલે તેજપાલસિંહ ગયા હતા. મદદરૂપ થયા હતા. હુમલામાં ક્યાંય સામેલ નહોતા છતાં મેટોડા પોલીસ મથકના પીઆઈ શર્મા તથા યોગીરાજસિંહ જાડેજા દ્વારા ગંભીર ગુનામાં તેજપાલસિંહને ફસાવી ધરપકડ કરી હોવાના આક્ષેપ કરાયા છે.
હત્યાના પ્રયાસમાં ઘાયલ ખુદ ફરિયાદી યશપાલસિંહ ગોહિલે નોટરાઈઝ એફિડેવિટ કરી આપ્યું કે તા.19-12ના થયેલા ખૂની હુમલામાં તા.20-12ના રોજ ઈમરાન બાપુડી અને બીજા 10 અજાણ્યા સામે મેટોડા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. તેજપાલસિંહ તો મિત્ર છે તેનું ફરિયાદમાં પણ ક્યાંય નામ લખાવ્યું નથી.
જેને આરોપી બનાવી દીધા તે તેજપાલસિંહ મિત્ર ભાઈ જેવા છે અને હોસ્પિટલમાં પણ જોડે જોડે ઉભા રહ્યા હતા. નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે સંડોવણી કરી દીધી છે. ખુદ ઈજાગ્રસ્તે નોટરાઈઝ એફિડેવિટ કર્યું જેથી પોલીસે ક્યાંક કાંઈક કાચું કાપી નાખ્યું હોય અથવા તો જે રીતે આરોપી બનેલા તેજપાલસિંહના ભાઈ ચેતનસિંહે મેટોડા પીઆઈ શર્મા અને યોગીરાજસિંહ બન્ને સામે પાંચ લાખ રૂપિયા લઈને બુટલેગર પરેશ દરજીનું નામ કાઢી નાખ્યાનું રજૂઆતમાં જણાવ્યું છે તે મુજબ કે આક્ષેપો પ્રમાણે થયું હોય તો પોલીસ જ ગુનેગારો સાથે ભળી ગઈ હોય અથવા તો બુટલેગરને બચાવી લીધો હોય તેવું માની શકાય. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસની માંગ સાથે ઉચ્ચસ્તરીય પણ રજૂઆત કરાઈ છે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે.
બુટલેર પરેશ દરજી પોતે વહીવટ કરીને પોતાનું નામ ન આપવા દીધું હોવાની કોઈ સાથે વાતો કરતો હોય તેવી ઓડિયો ક્લિપ પણ વાઈરલ થઈ હોવાનું જાણવા મળે છે. સમગ્ર બનાવમાં વાસ્તવિક્તા શું છે એ તો ભોગ બનનારા, આરોપી તેમજ તપાસનીશ પોલીસ જાણતી હશે પરંતુ જે રીતે પીઆઈ શર્મા અને યોગીરાજસિંહ જાડેજા નામની વ્યક્તિ સામે આંગળી ચિંધાઈ છે એ ગંભીર ગણી શકાય. ઉપરોક્ત સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે તપાસનો વિષય છે.
જો આવો વહીવટ થતો હોય તો શું ઉપરીઓનો કોઇ ડર જ નહીં હોય?
મેટોડા પોલીસ સમયાંતરે જે રીતે કોઈને કોઈ બાબતોને લઈને ચર્ચાના ચકડોળે રહે છે. હત્યાના પ્રયાસ જેવા ગુનામાં બુટલેગરને ઉગારી લેવા પીઆઈ શર્માએ તથા યોગીરાજસિંહે પાંચ લાખ લઈ લીધાના આક્ષેપો છે. આવું બન્યું હોય તો ખરેખર શું મેટોડાના અધિકારી, સ્ટાફને ઉપરીઓનો કોઈ ડર જ નહીં હોય ? શું ઉપરીઓથી પણ એમના કોઈ ઉંચા તાર હશે ? ખૂની હુમલાની ઘટના બાદ પરેશને કલાકો સુધી મેટોડા પોલીસ સ્ટેશને લાવીને બેસાડી દેવાયો હતો. બાદમાં બાઈજ્જત મુક્તિ આપી દેવાઈ તો શું વહીવટ માટે જ બેસાડી દેવાયો હતો ? વહીવટ થયા બાદ જવા દેવાયો ? કે પછી પરેશનો હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસને કોઈ રોલ દેખાયો કે મળ્યો ન હતો ? મેટોડા પોલીસના પ્રકરણે ઉપરી અધિકારીઓએ કાં તો હવે મેટોડા પોલીસમાં ધ્યાન કેન્દ્રીત કરવું પડે અથવા તો જો કોઈ સડો હોય તો કોઈને કોઈની બદલીઓ કે આવી સાફસુફી કરવી પડે.
