ટીચર્સ યુનિવર્સિટીમાં સાયન્સ આર્ટ્સના પ્રોફેસરનો વિકાસ રૂંધાયો : IITEમાં PHD ગાઇડશીપ પ્રશ્ને ઉચ્ચશિક્ષણ મંત્રીને રજુઆત
રાજકોટ : ગાંધીનગર સ્થિત શિક્ષણની સર્વોચ્ચ સંસ્થા એવી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશનમાં છેલ્લા લાંબા સમયથી આર્ટ્સ અને સાયન્સમાં પીએચડી અભ્યાસ કરાવવામાં આવતો ન હોય અહીં અભ્યાસ કરતા છાત્રોની સાથે સાથે અભ્યાસ કરાવનાર પ્રોફેસરોને પણ પીએચડી ગાઇડશીપ મળતી ન હોય સાયન્સ આર્ટ્સના પ્રોફેસરનો વિકાસ રૂંધાયો જતા તાજેતરમાં રાજ્યના ઉચ્ચ શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાને આ બાબતે પ્રોફેસરો દ્વારા રજુઆત કરી ઉચ્ચશિક્ષણના આ કેન્દ્રમાં આર્ટ્સ અને સાયન્સમાં પીએચડી અભ્યાસક્રમ શરૂ કરવવા માંગ ઉઠાવી છે.
પ્રોફેસરોએ કરેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આઈઆઈટીઇ એક મલ્ટી-ડીસીપ્લીનરી યુનિવર્સિટી હોય તેમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથેમેટિક્સ અને લાઈફ સાયન્સીસ તેમજ આર્ટસ ફેકલ્ટીમાં ઇંગલિશ બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ અન્ડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને તેમના કોર સબ્જેક્ટ એટલે કે સાયન્સ અને આર્ટસ સબ્જેક્ટમાં પીએચડી કરવું છે અને માત્ર આઈઆઈટીઇ કે જે તેમની માતૃ સંસ્થા છે એમાંથી જ ડોક્ટરેટ ની પદવી પ્રાપ્ત કરવી છે. પરંતુ IITE માં માત્ર એજ્યુકેશન ડિસિપ્લિનમાં જ ગાઈડશીપ મળતી હોય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આ વિષયોમાં પીએચડી કરવાની અનુમતિ આપવામાં આવતી નથી જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તેમજ તેમને જિંદગીભર પોતાની માતૃસંસ્થામાંથી સબ્જેક્ટમાં પીએચડી ન કરવા દેવાનો વસવસો રહી જાય છે.
વધુમાં યુનિવર્સિટીના સ્થાપના સમયથી લઈ અને આજ દિન સુધી જેટલા કાયમી અધ્યાપકો નિયુક્ત થયા છે તેમને પણ સાયન્સ અને આર્ટસના વિષયોમાં ગાઈડશીપ આપવામાં આવતી નથી જેથી તેમને પણ આ બાબતનું ઘણું જ દુઃખ તેમજ વસવસો રહી જાય છે અને તેમના શિક્ષક હૃદયમાં વિદ્યાર્થીઓ નું અહીં થતું હોય અને તેમાં પોતે ભાગીદાર હોય તેવી લાગણી અનુભવે છે. વિજ્ઞાન અને વિનિયન વિષયોમાં આસીસ્ટંટ અને એસોસિયેટ પ્રોફેસર તરીકે ૫ વર્ષથી વધુનો અનુભવ ધરાવતા લાયક અધ્યાપકો ને પણ IITE ખાતે હજુ સુધી કોઈ પીએચ.ડી. માટે માર્ગદર્શન કરવાની તક મળી નથી અને ડોક્ટરલ સંશોધન માન્યતાના અભાવને કારણે તેઓની શૈક્ષણિક પ્રગતિ અવરોધાઈ છે.
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશનના સર્વોચ્ચ સતામંડળ એક્ઝ્યુકિટિવ કાઉન્સિલની તાજેતરમાં મળેલી ૩૫મી બેઠકના એજન્ડા નં ૨૩ અને ઠરાવ નં ૨૩ મુજબ શિક્ષણ સિવાયના અન્ય વિષયો જેમ કે વિજ્ઞાન, ગણિત, ભાષા, વિગેરે માં પણ પીએચ.ડી. ડીગ્રી એનાયત કરવા અને લાયક અધ્યાપકોને તેમની તજજ્ઞતાના વિષયમાં પીએચ.ડી. માર્ગદર્શક તરીકે માન્યતા આપવા ઠરાવાયું છે. નવી શિક્ષણ નીતિ અને UGC માર્ગદર્શિકા અનુસાર સંબંધિત, સહસંબંધિત, મલ્ટીડિસિપ્લિનરી, આંતર- અને ટ્રાન્સડિસિપ્લિનરી ક્ષેત્રોમાં સુપરવાઈઝરશિપ આપવામાં આવી શકે છે. વધુમાં, NEP 2020 પરંપરાગત શિસ્તની માર્યાદિત રેખાઓ દૂર કરવાની અને વધુ વ્યાપક અને સંકલિત શિક્ષણ અનુભવને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને સ્વીકારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એક્ઝ્યુકિટિવ કાઉન્સિલના ઠરાવ મુજબના તમામ વિષયો માં પીએચ.ડી. પ્રવેશ તાત્કાલિક અમલી થાય અને લાયક અધ્યાપકોને તાત્કાલિક પીએચ.ડી. માર્ગદર્શક તરીકે માન્યતા આપવા અને વિજ્ઞાન અને વિનિયન વિષયોમાં પીએચ.ડી. પ્રવેશ શરુ કરવા અનુરોધ કરાયો છે.
નોંધનીય છે કે, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશનની સ્થાપના વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેખરેખ હેઠળ ગુજરાત ભારત તથા સમગ્ર દેશમાં સારા શિક્ષકો નું નિર્માણ થાય એવા ઉમદા આશય સાથે કરવામાં આવી હતી જેમાં વર્ષ 2011 થી એડમિશન શરૂ થયા હતા અને આજ દિન સુધી આઇઆઇટીઇ માંથી ઘણા બધા વિદ્યાર્થીઓ સારા શિક્ષકો બન્યા છે અને સમાજમાં એક આગવું સ્થાન ધરાવે છે આટલું જ નહીં પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ગલ્ફ દેશોમાં સ્કૂલોમાં પણ એક ઉમદા શિક્ષક તરીકે સ્થાપિત કરી શક્યા છે જે પ્રધાન મંત્રીના સ્વપ્નને સાકાર કરતી દિશામાં અવિરત આગળ વધી રહ્યા છે ત્યારે સાયન્સ અને આર્ટસ ફેકલ્ટીમાં સંશોધનને પ્રાધાન્ય મળવું જરૂરી હોવાથી વિજ્ઞાન, વિનિયન વિગેરેમાં સંશોધન માટે મંજૂરી આપવા પ્રોફેસરો દ્વારા માંગણી કરવામાં આવી હતી.