રાજકોટના વોર્ડ નં.3ના કોર્પોરેટરે કહ્યું, મારે તો 2027ની વિધાનસભા ચૂંટણી લડવી છે એ પણ વાંકાનેરથી ! વાંચો કાનાફૂસી
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ બે વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે મતલબ કે આ ચૂંટણીની ચર્ચા કરવી હાલ વ્યાજબી લાગી રહી નથી. હા, રાજકોટ સહિત અન્ય મહાપાલિકાઓની ચૂંટણીઓને બેથી ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે એટલા માટે તેને લઈને દિવસેને દિવસે ગરમાવો આવશે એ પણ નિશ્ચિત છે. આ ચૂંટણી માટે જ્ઞાતિવાઈઝ રોટેશન પણ જાહેર થઈ ચૂક્યું હોવાથી ભાજપ, કોંગે્રસ અને આમ આદમી પાર્ટી દ્વારા સોગઠા ગોઠવવા માટેની `કસરત’ પણ ચાલી રહી છે આ બધાની વચ્ચે વોર્ડ નં.3ના હાલના એક સીટિંગ કોર્પોરેટરે એવું વિધાન કર્યું હતું જે સાંભળીને લોકો તો ઠીક પરંતુ ભાજપના નેતાઓ પણ માથું ખંજવાળવા માટે મજબૂર બની જાય ! આ કોર્પોરેટરનું કહેવું એવું છે કે તેમને 2027માં આવી રહેલી વિધાનસભા ચૂંટણી લડવી છે અને તે પણ રાજકોટ નહીં પરંતુ વાંકાનેરથી લડવી હોવાથી તેઓ હવે આવનારી મહાપાલિકાની ચૂંટણીમાં ઉતરવાના નથી ! આ નેતાનું નિવેદન ભેંસ ભાગોળે, છાશ છાગોળે જેવું જ ગણવું પડે કેમ કે ભાજપમાં ક્યારેય `મને જ ટિકિટ મળશે’ તેવું કહેવાની સ્થિતિમાં કોઈ હોતું નથી પરંતુ કદાચ આ કોર્પોરેટરને એ વાતનો ખ્યાલ નહીં હોય…!!
એક PSI વિદેશ પ્રવાસે જઈ આવ્યાઃ `ફન્ડીંગ’ને લઈ જેટલા મોઢા એટલી વાતો…
રાજકોટ શહેર પોલીસ માટે આ વખતની દિવાળી એકદમ `ભારે’ રહી હતી અને તહેવાર દરમિયાન પોલીસ મથક ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની બ્રાન્ચ પણ દોડ્યે રાખી હતી. આ વર્ષે શહેરમાં એક બાદ એક હત્યા ઉપરાંત ચોરી તેમજ રહી ગયું હતું તો બે ગેંગ વચ્ચે ફાયરિંગનો બનાવ પણ નોંધાતા બધાએ દોડવું પડ્યું હતું. જો કે મહત્ત્વની બ્રાન્ચના એક પીએસઆઈ કે જેમનો વિદેશ પ્રવાસ અગાઉથી જ ગોઠવાઈ ગયો હોય તેઓ તો વિદેશની સહેલગાહે `આરામ’થી ઉપડી ગયા હતા. ખેર, પોલીસ પણ માણસ છે અને તેને પણ હરવા-ફરવાનો પૂરતો અધિકાર છે. જો કે `સાહેબ’ના આ વિદેશ પ્રવાસ કરતા વધુ ચર્ચા તેમને કરાયેલા ફન્ડીંગની કરવામાં આવી રહી છે. પોલીસનો એક ચોક્કસ વર્ગ એવી `કાનાફૂસી’ કરી રહ્યો છે કે એ પીએસઆઈ પોતાના મતલબ કે સ્વખર્ચે વિદેશ પ્રવાસે ગયા હતા તો બીજો એક વર્ગ એવું પણ કહી રહ્યો છે કે સ્વખર્ચે પોષાય જ નહીં, ચોક્કસ એમને મતલબ કે પીએસઆઈને કોઈએ સ્પોન્સર કર્યા હોય તો જ આટલા દિવસ તેમને વિદેશમાં ફરવું, રોકાવું અને મ્હાલ્વું પરવડે ! સત્ય શું છે એ તો પીએસઆઈ જાણતા હશે પરંતુ અત્યારે તેમના પ્રવાસ માટેનું ફન્ડીંગ `કાનાફૂસી’નો મુદ્દો બની ગયો છે.
આ પણ વાંચો : આતંકીઓનું ‘ઝેરી ષડયંત્ર’ નિષ્ફળ: જાણો કોણ છે 2 આતંકી ડૉક્ટર, ઘરેથી મળી 360 કિલો વિસ્ફોટક, બે AK-47 સેવન રાઇફલ સહિતની સામગ્રી
અધિકારીઓની હાજરીમાં બે PI વચ્ચે જબરી ચડભડઃ એક સાઈડલાઈન થયા, બીજા ગોઠવાઈ ગયા
પોલીસની ગણના ડિસિપ્લીનરી ફોર્સ મતલબ કે શિસ્તમાં રહેવા માટે પ્રખ્યાત તરીકેની થાય છે. જો કે અમુક ગરમ મિજાજના અધિકારીઓ પણ હાલ ઉપલબ્ધ છે જેઓ સમય, સંજોગ કે સ્થળનું ભાન રાખ્યા વગર તું, તુંકારા કરતા ખચકાટ અનુભવતા નથી. આવા જ બે ગરમમિજાજી પીઆઈ વચ્ચે થોડા સમય પહેલાં એક `તપાસ’ને લઈને અધિકારીઓની હાજરીમાં જ ચડભડ થઈ ગઈ હતી. આ વેળાએ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ પણ પોલીસ મથકમાં ઉપલબ્ધ હતા. આ ઉપરાંત અન્ય સ્ટાફની હાજરી પણ હતી આમ છતાં કોઈ જ પ્રકારની પરવા કર્યા વગર બન્ને પીઆઈ આમને-સામને થઈ જતા અધિકારીઓએ ઉભા થવું પડ્યું હતું. આ ચડભડની ગંભીર નોંધ લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બન્ને પીઆઈને `સાન’ અને `ભાન’ બન્નેમાં રહેવાનો આકરો `ઠપકો’ પણ અપાયો હતો પરંતુ તેના પછી જે થયું તે આશ્ચર્યજનક રહેવા પામ્યું હતું. બેમાંથી એક પીઆઈ અત્યારે સાઈડમાં મુકાઈ ગયા છે અને પોતે ક્યારે `બહાર’ નીકળશે તેની ગણતરી માંડી રહ્યા છે જ્યારે બીજા પીઆઈ અત્યારે મહત્ત્વની બ્રાન્ચમાં સ્થાન શોભાવી રહ્યા છે ત્યારે એકને ગોળ અને એકને ખોળ શા માટે તે મુદ્દે તરેહ-તરેહની `કાનાફૂસી’ પોલીસ વિભાગમાં થઈ રહી છે. શું સાઈડમાં રહેલા પીઆઈને અન્ય કોઈ પ્રકરણ પણ નડતરરૂપ હશે કે પછી આ જ કારણથી તેમને `બહાર’ કઢાઈ રહ્યા નથી તે મુદ્દો રહસ્યમય બની રહ્યો છે.
આ પણ વાંચો : પોઈઝન એટેકના કાવતરાનો પર્દાફાશ : અમદાવાદથી પકડાયેલા 3 ખૂંખાર આતંકીઓનો તબાહી મચાવવાનો હતો નાપાક ઇરાદો
ભારે કરીઃ પોલીસે ગ્રાહક-બૂટલેગરને `ભેળવી’ દીધા..!
રાજકોટ શહેરના ડીસીપી (ક્રાઈમ) તરીકે જગદીશ બાંગરવા, જિલ્લા પોલીસવડા તરીકે વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળતાંની સાથે જ દારૂના ધંધાને જબરદસ્ત ફટકો પડ્યો છે તે વાતનો ઈનકાર અત્યારે બૂટલેગરો જ નહીં બલ્કે પ્યાસીઓ પણ ન કરી શકે…! જો કે છાનેખૂણે નાનો-નાનો `વેપાર’ હજુ પણ થઈ રહ્યો છે તેનો સ્વીકાર પણ કરવો જ પડે. તાજેતરમાં જ એક ગ્રાહક દારૂના ચાર `ચપલા’ લઈને પોતાના ઘેર આરામથી છાંટોપાણી કરવાની ગણતરીએ જઈ રહ્યા હતા. જો કે રસ્તામાં જ તેમને શૈક્ષણિક સંસ્થા જેવું નામ ધરાવતા પોલીસ મથકના કર્મચારી મળી ગયો હતો. પોલીસની પદ્ધતિ પ્રમાણે એ જવાને ચેકિંગ કરતા અંદરથી દારૂ નીકળ્યો હતો. ત્યારબાદ ગ્રાહકે પણ પોતાની રીતે છેડા અડાડતા તે જવાને કેસ કરવાનું ટાળ્યું હતું પરંતુ દારૂ પોતાની પાસે રાખી લીધો હતો. ગ્રાહકે થોડો પ્રયત્ન કરતા એક ચપલું તેને આપવા તૈયારી દર્શાવી હતી સાથે સાથે ગ્રાહક જ્યાંથી દારૂ લાવ્યો તે બૂટલેગરની નામ પણ બહાર કઢાવી લીધું હતું. આ પછી એ બૂટલેગરને પકડવાની જગ્યાએ તેની પાસેથી `નેવૈદ્ય’ લઈ લેવામાં આવતા બૂટલેગર ગીન્નાઈ ગયો હતો અને તેણે સીધો ગ્રાહકને ફોન કરીને કહ્યું હતું કે પોલીસે મારા પાસેથી જે પૈસા લીધા છે એ તારે (ગ્રાહકે) આપવા પડશે નહીંતર આપણા વચ્ચે માથાકૂટ થશે ! હજુ સુધી આ મુદ્દે લેતી-દેતી થઈ નથી પરંતુ પોલીસે અત્યારે બન્નેને `ભેળવી’ દીધા હોવાનું સ્પષ્ટપણે સામે આવી ગયું છે ત્યારે આ મુદ્દે એ પોલીસ મથકના થાણાધિકારીએ આ દિશામાં ધ્યાન આપવું જરૂરી બની જાય છે અન્યથા આ પ્રકારે ડાઘ લાગતા વાર નહીં લાગે…!!
મહાપાલિકામાં `દિવાળી’ હજુ પૂરી થઈ નથી…!
દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ગયાને આજે પખવાડિયા કરતા વધુ સમય વીતી ગયો છે આમ છતાં જ્યાં હજારો અરજદારોની અવર-જવર રહે છે તે મહાપાલિકામાં દિવાળી પૂર્ણ ન થઈ હોય તે પ્રકારે કોર્પોરેટરો તો ઠીક પરંતુ અધિકારીઓની પણ હોય છે એટલી હાજરી જોવા મળી રહી નથી. હજુ પણ અમુક અધિકારી રજાના મૂડમાં જ હોય તે પ્રકારે મન પડે ત્યારે ઓફિસે આવી રહ્યા છે તો અમુક હજુ પણ રજા પર જ હોવાનું સામે આવ્યું છે. વળી, કોર્પોરેટરો કે જેમને ચૂંટણી નજીક હોવા છતાં મહાપાલિકામાં હાજરી પૂરાવવાની તસ્દી લેતા ન હોય અરજદારોને ધક્કા સિવાય બીજું કશું મળી રહ્યું નથી. સૌથી મોટી હાડમારી અત્યારે જન્મ-મરણ વિભાગમાં થઈ રહી છે આમ છતાં અધિકારીઓ તો ઠીક પરંતુ પદાધિકારીઓ પણ આ દિશામાં નજર કરવાનું વિચારી રહ્યા નથી તે મુદ્દો અરજદારો (મતદારો)ને અકળાવી રહ્યો છે.
