21 જુનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરાની ફેશન ડીઝાઈનર યોગ કરવાના કારણે વિવાદમાં આવી છે. વાત જાણે એમ છે કે વડોદરાની ફેશન ડિઝાઇનરે યોગ દિવસે ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યો ઘાટો જે બાદ વિવાદ શરુ થયો છે. શહેરની ફેશન ડિઝાઈનર યુવતીએ યોગ દિવસે અમૃતસર સુવર્ણ મંદિરમાં શીર્ષાસન કરતાં વિવાદ થયો છે. SGPCએ આ મામલાને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ઘટના ગણાવી ફેશન ડિઝાઈનર વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના પંજાબના અમૃતસરમાં આવેલા ગોલ્ડન ટેમ્પલની છે યોગ કરીને વડોદરાની ફેશન ડિઝાઇનર વિવાદમાં આવી છે. વડોદરામાં રહેતી યુવતી અર્ચના મકવાણા 19 જુને દિલ્હી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લેવા ગઇ હતી. આ કાર્યક્રમમાં તેને એવોર્ડ પ્રાપ્ત થયો હતો. જે બાદ તા.૨૧ જુને તે અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ ગઇ હતી અને ત્યાં માથુ ટેકવ્યા બાદ તે ગુરૃદ્વારામાંથી બહાર આવી હતી અને યોગ દિવસ હોવાથી ટેમ્પલ પરિસરમાં તળાવ કિનારે તેણે યોગાસન કર્યા હતા, જેમાંથી શીર્ષાસન કરતો એક ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. આ ફોટો પોસ્ટ થયા બાદ અર્ચનાને પહેલા સોશ્યલ મીડિયા ઉપર અને પછી તેને ફોન ઉપર ધમકીઓ મળવાની શરૃઆત થઇ ગઇ હતી.
ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણા સામે શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ અમૃતસરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે SGPC એ બેદરકારી બદલ ત્રણ સેવકોને સસ્પેન્ડ પણ કર્યા છે. આ મામલે ફેશન ડિઝાઇનર અર્ચના મકવાણાએ શીખ સમુદાયની માફી માંગી છે. ત્યારે વિવાદ બાદ ફેશન ડિઝાઇનર અર્ચનાને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી છે.

મોદી ભક્ત હોવાનાં નાતે કૃત્ય કર્યું હોવાનું કહી અર્ચનાને ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકીથી ગભરાઇને અર્ચનાએ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ફોટો હટાવી દીધો હતો અને માફી માગતો એક વીડિયો પણ જાહેર કર્યો છે, તેમ છતાં પણ ધમકીઓ મળવાનું ચાલુ રહેતા તેણે વડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો, જે બાદ અર્ચનાને પોલીસ પ્રોટેક્શન અપાયું છે. બીજી તરફ, અમૃતસરમાં અર્ચના વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું પણ જાણવા મળે છે.