વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. અને ફાયર NOC ન હોય તેવા 8 ગેમ ઝોન સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટના પોશ સમા રેસિડેન્ટ વિસ્તારમાં મોટા પાયે બે માળના ગેઇમ ઝોનનું કામ ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યું છે.મોટી વાત તો તે છે કે,આ બાંધકામને બંધ કરી દેવા માટે મનપાએ નોટિસ આપી હતી છતાં પણ માલિકે કામ બંધ કર્યું ન હતું. અને હજુ સુધી પણ ગેઇમ ઝોનને પૂર્ણ રીતે બનવાની કામગીરી શરૂ રખાઇ છે. જો ન કરે નારાયણ અહી ટીઆરપી જેવી ઘટના બની તો તેનું જવાબદાર કોણ રહેશે.
રાજકોટમાં બિગ બજાર વાળી શેરીમાં મારુતિ ચોક પહેલા મહાદેવ ટેમ્પલ ગાર્ડનની સામે બે માળનું ગેઇમ ઝોનનું કામ ધમધોકાર રીતે ચાલુ કરવામાં આવ્યું છે. ટીઆરપીની ઘટના બની એટલે અહી ગેઇમ ઝોનના માલિકે આગળ પડદો નાખીને છાના છૂપે કામગીરી શરૂ રાખી હતી.જ્યારે વોઇસ ઓફ ડેની ટીમે આ મામલે તપાસ કરતાં મોટા ધડાકા થયા હતા. વોઇસ ઓફ ડેની ટીમે ઇન્વેસ્ટિગેશન કરવા માટે આ સ્થળે પહોંચી ત્યારે જોવા મળ્યું હતું કે,આ બે માળનું બાંધકામ છે. અને પૂરેપૂરું બાંધકામ પતરાંના મચડા ખડકીને કરવામાં આવ્યું છે. જે મનપાના નિયમ પ્રમાણે ગેરકાયદે છે. અને આ બાંધકામના માલિક અમિતભાઈ શર્મા હાજર મળ્યા હતા. અને આ બાબતે તેની પાસેથી ટીમે માહિતી મેળવતા તેને ગોળગોળ વાતું કરી હતી. અને પોતે અહી ગેઇમ ઝોન નહીં બેડમીન્ટન કોર્ટ બનાવી રહ્યાનું જણાવ્યું હતું. અને તે નેશનલ લેવલે ખેલાડીઓને તૈયાર કરશે તેવું જણાવ્યું હતું.જ્યારે ફાયર એનઓસી બાબતે તેને પૂછવામાં આવતા તેને હજુ સુધી લીધુ નથી પણ લઇ લઇશ તેવું જણાવ્યું હતું. જેથી પોતે એનઓસી વગર જ ગેઇમ ઝોનનું કામ શરૂ કરી દીધા હોવાનો પોતે જ ખૂલાસો કર્યો છે.
જેથી જો રેસિડેન્ટ એરિયામાં જ બે-બે માળનો ગેઇમ ઝોન તૈયાર થતો હોય તો શુ આ માહિતી મનપાના નજરે આવી નહીં હોઇ. અને આ બાંધકામ બંધ કરી દેવાની મનપાએ નોટિસ પણ આપી દીધી છે.છતાં પણ માલિક અમિત શર્માએ બેરોકટોક બાંધકામની કામગીરી પોતાની મન મરજીથી શરૂ રાખી હતી. અને કામ કરી રહેલા મજૂરોએ પણ કોઈ પ્રકારના સેફ્ટીના સાધનો પહેર્યા ન હતા. છતાં પણ માલિકે તે બાબતે ધ્યાન આપ્યું ન હતું. જેથી આ પ્રકારના ગેઇમ ઝોનના બાંધકામ પર મનપાએ વહેલી તકે કોઈ પ્રકારની કાર્યવાહી ન કરી અને જો કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોના શિરે જશે તે જોવાનું રહેશે. જેથી આવી મોટી દુર્ઘટના અટકવાની હજુ પણ મનપા અને ફાયરના હાથમાં છે. જેથી તેઓ કોઈ કાર્યવાહી કરે તો ટીઆરપી વાળી ઘટના ફરી બને નહીં.
હે.. ‘હું ગેઇમ ઝોન નહીં બેડમીન્ટન કોર્ટ બનાવવું છું’ કહી માલિક અમિત શર્માનો લૂલો બચાવ
વોઇસ ઓફ ડેની ટીમ ઇન્વેસ્ટિગેશન કરતી સ્થળ પર પહોંચી ત્યારે અહી પતરાનો માંચડો ખડકી બે માળનું બાંધ કામ થતું હોવાનું અને મજૂરો કામ કરતાં હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ જગ્યાના માલિક અમિત શર્મા સ્થળ પર જ હાજર મળી આવી હતા. જેથી તપાસ કરવા ટીમે માલિક સાથે વાતચીત કરતાં તેને જણાવ્યું હતું.પોતે અહી ગેઇમ ઝોન નહીં પરંતુ બેડમીન્ટન કોર્ટ બનાવી રહ્યા છે. અને તે પણ એક જ માળનું બાંધકામ કરી રહ્યા છે (જોકે બાહર જ સીડી જોવા મળી હતી અને બે ફ્લોરમાં બાંધકામ થયું હોવાનું ચોખ્ખું જોવા મળ્યું હતું) અને તે અહી બેડમીન્ટનના નેશનલ પ્લેયરને તૈયાર કરવાના છે. તેવું જણાવ્યું હતું. જ્યારે વોઇસ ઓફ ડેના પત્રકારે તેમને ફાયર એ.ઓ.સી બાબતે પૂછતાં તેઓએ હજુ સુધી લીધું ન હોવાની કબૂલાત આપી હતી. અને હવે લેવાનું છે તેવું જણાવ્યું હતું. જો ફાયર એનઓસી લીધા વગર પતરાનો માંચડો ખડકી બાંધકામ કરવામાં આવી રહ્યું હોઇ તો શુ આ બાબત મનપાના ધ્યાને આવી હશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે.
બેડમીન્ટન કોર્ટ બનશે તો પ્રોપટીને સીલ કરી દેશું : અજય વેગડ (આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર)
આ ગેઇમ ઝોનના બાંધકામ મામલે વોઇસ ઓફ ડેની ટીમે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અજય વેગડ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,આ બાંધકામ પ્લાન મુજબ ન હોવાથી 4 થી 5 માસ પૂર્વે અહી નોટિસ ફટકારવામાં આવી હતી. અને બાંધકામ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી (જોકે હજુ સુધી પણ કામ ચાલુ છે જે બાબતની જાણ મનપાને નથી)અને અહી તેઓ ગેઇમ ઝોન કે બેડમીન્ટન કોર્ટ બનવાનું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી જો અહી બેડમીન્ટન કોર્ટ બન્યું તો આ પ્રોપટીને સીલ મારી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું.
બાંધકામ પ્લાન પ્રમાણે નહીં હોવાથી નોટિસ આપી કામ બંધ કરાવયુ’તું : કેતન સુરેજા (બાંધકામ સમિતિ ચેરમેન)
આ મામલે બાંધકામ સમિતિ ચેરમેન કેતન સુરેજા સાથે વોઇસ ઓફ ડેની ટીમે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આ બાંધકામનું પ્લાન જે પ્રમાણે રાજુ કરવામાં આવ્યું તે પ્રમાણે કરવામાં ન આવ્યું હોવાથી તેને નોટિસ ફટકારવામાં આવી હતી. અને બાંધકામ બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. જેથી છતાં પણ માલિકે બાંધકામ શરૂ રાખ્યું એ બાબત ધ્યાને આવી નથી જો હજુ સુધી બાંધકામ શરૂ હશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રેસિડેન્ટ એરિયામાં ગેઇમ ઝોન ન બનવું જોઈએ : લતાવાસીઓ
આ બાંધકામ રેસિડેન્ટ એરિયામાં આવ્યું હોવાથી વોઇસ ઓફ ડેની ટીમે આસપાસના લતાવાસીઓ સાથે વાતચીત કરી હતી. અને તેઓએ જણાવ્યું હતું કે,ટીઆરપીની ઘટના બનતા કોઈ પણ પ્રકારના ગેઇમ ઝોન રેસિડેન્ટ એરિયામાં હોવા ન જોઈએ જો આ પ્રકારના ગેઇમ ઝોન અમારા ઘરની અડીને જ ખડકી દેવામાં આવશે તો અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જેમાં પ્રથમ તો પાર્કિંગ બાબતની મુશ્કેલી રહેશે. અને કાલ સવારે અહી ટીઆરપી જેવી જો દુર્ઘટના બની તો તેની જવાબદારી કોના પર આવશે અને અમર જીવનો જોખમ પણ બન્યો રહેશે.જેથી રેસિડેન્ટ એરિયામાં આવું બાંધકામ મનપાએ ન થવા દેવું જોઈએ
બાંધકામ બંધ કરવાની નોટિસ આપી છતાં માલિકે કામ શરૂ રાખ્યું
જ્યારે આ મામલે વોઇસ ઓફન ડેની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બાંધકામ પ્લાન મુજબ ન હોવાથી મનપાએ અહી નોટિસ ફટકારી હતી અને તાકીદે કામ બનધ કરી દેવાની સૂચના આપી હતી. તો માલિકે ગજબનો ખેલ પાડ્યો હતો. અને પોતે થોડાક દિવસ કામ બંધ કરી દીધું અને આગળ પડદો લગાવી દીધો હતો. અને ચાર પાંચ દિવસમાં ફરી કામ શરૂ કરી દીધું હતું. જેથી જો કામ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી હોય તેમ છતાંય કામગીરી શરૂ રાખવામાં આવે તો તેની સામે મનપા કોઈ કાર્યવાહી કરી શકે કે કેમ ? અને હજુ સુધી તેને ફાયર એનઓસી લીધી ન હોવાથી માલિક સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.