રાજકોટવાસીઓને હાશકારો !! 9 મહિના બાદ 8 કોમ્યુનિટી હોલ શરૂ, આ રીતે કરો ઓનલાઈન બુકિંગ
- હાશ ! 9 મહિના બાદ 8 કોમ્યુનિટી હોલ શરૂઃ બાકીના 10 આ મહિને જ ચાલું થશે
- પેટાઃ 14 એપ્રિલથી લગ્નગાળો શરૂ થાય તે પહેલાં 8 કોમ્યુનિટી હોલમાં 13 યુનિટનું બુકિંગ શરૂ કરી દેવાતાં મોટી રાહતઃ ચાર હજારથી 30 હજાર સુધીના ભાડે હોલ મળશે
- મેમાં અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના સાધનો ઈન્સ્ટોલ કરવા માટે ઑગસ્ટથી બંધ કરી દેવાયા હતા
રાજકોટમાં 25 મે-2024ના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયા બાદ ફાયર સેફ્ટી જેવી મહત્ત્વની બાબતે ચાલી રહેલી લાલિયાવાડી પણ ઉજાગર થઈ હતી. અગ્નિકાંડ સર્જાયાના બે મહિના બાદ મહાપાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓને `ભાન’ થયું હતું કે તેમના દ્વારા સંચાલિત 23 કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયર્ડ થઈ ગયા છે સાથે સાથે એનઓસી પણ રિન્યુ કરાવાયું નથી. આ પછી ઓગસ્ટમાં તમામ કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમને બંધ કરી દેવાયા બાદ તેમાં સાધનો અને એનઓસી રિન્યુ કરાવવાની પ્રક્રિયા અંદાજે ચારેક કરોડના ખર્ચે પાર પાડ્યાના નવ મહિના પછી 23 પૈકી 13 કોમ્યુનિટી હોલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નાના પરિવારના લોકો પોતાના નાના-મોટા પ્રસંગોના આયોજન કરવા, સુવિધા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે જેમાં ફાયર સેફ્ટીની તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઈ જતાં 23માંથી 13 કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અધિકારી સૂત્રોએ જણાવ્યું કે હાલ મહાપાલિકા પાસે કુલ 25 કોમ્યુનિટી હોલ-ઓડિટોરિયમ ઉપલબ્ધ છે જે પૈકી રેસકોર્સ આર્ટગેલેરી અને કોઠારિયા રોડ પરના ઓડિટોરિયમનું રિનોવેશન કામ ચાલી રહ્યું હોય તેને શરૂ થતાં થોડો સમય લાગશે. જ્યારે બાકી રહેલા 23માંથી 13 કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને અન્ય દસ હોલ પણ ચાલું મહિને જ શરૂ કરી દેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 14 એપ્રિલથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે તે પહેલાં જ 13 કોમ્યુનિટી હોલ શરૂ થઈ જતાં પ્રસંગનું આયોજન કરનારા પરિવારોને મોટી રાહત મળશે. ઉપરોક્ત કોમ્યુનિટી હોલનું ભાડું ચાર હજારથી લઈ 30 હજાર રૂપિયા સુધીનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

કેવી રીતે બુકિંગ કરી શકાશે ?
- મહાપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in અથવા મોબાઈલ એપ્લીકેશન પર હોલ બુકિંગ સિલેક્ટ કરવું
- હોલ બુકિંગમાં જઈ અરજદારે તેનું નામ, સરનામું, મોબાઈલ નંબર, આઈડી કાર્ડ નંબર દાખલ કરવો
- અરજદારે પોતાની બેન્કની વિગત દાખલ કરવી (બેન્ક પાસબુ કે ચેકબુક સાથે રાખવી)
- અરજદારે બુકિંગ કરાવવા માટેનો કોમ્યુનિટી હોલ-ઓડિટોરિયમ પસંદ કરવો
- પ્રસંગનો હેતુ પસંદ કરવો
- પ્રસંગની તારીખ પસંદ કરવી જે કરાયા બાદ લીલો રંગ દર્શાવે તો બુકિંગ ખાલી, લાલ રંગ હોય તો બુકિંગ થઈ ગયેલું છે અને ભૂરો રંગ હોયતો બુકિંગ ખુલવાનું બાકી છે તેમ માનવું
- બુકિંગ ખાલી હોય તો ત્યાં કેપ્ચા કોડ દાખલ કરી `સેવ એન્ડ પેમેન્ટ’ પર સિલેક્ટ કરવું
- ચૂકવણાના વિવિધ વિકલ્પ દર્શાવાયા બાદ તેમાંથી એક પસંદ કરી ચૂકવણું કરવું
- આ પછી મહાપાલિકાની વેબસાઈટ પર જઈ હોલ બુકિંગ રિસિપ્ટમાં જઈ રિસિપ્ટ ડાઉનલોડ કરવી