રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સર્જ્યો ગમખ્વાર અકસ્માત : 3 લોકોના મોત, પોલીસે કર્યો લાઠીચાર્જ
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારોથતો જાય છે ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના રાજકોટમાં સામે આવી છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે મહિલા સહિત 3 લોકોના થયાની આશંકા મોત થતાં સ્થિતિ વણસી હતી. ઘટનાસ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી અને બસના કાચ તોડી નાખ્યા હતા ત્યારે ડીસીપી ઝોન 2 સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ઉમટ્યા હતા. પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી.
શું છે સમગ્ર ઘટના ?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ઇન્દિરા પાસે બની હતી જ્યાં માતેલા સાંઢમો માફક ફરતા સિટી બસના ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં યમદૂત બનીને આવેલા સિટી બસના ચાલકે વાહનોને અડફેટે લીધાં છે. અકસ્માત બાદ ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં તોડફોડ કરી હતી. લોકોએ સિટી બસના કાચ ફોડી નાખ્યા હતા. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન-2 સહિતના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ ભયંકર અકસ્માતને પગલે લોકો ઉશ્કેરાયા હતા. રાજકોટ શહેર પોલીસ અને મહાપાલિકાની નિંભરતા સામે લોકોએ બળાપો ઠાલવ્યો હતો. ટ્રાફિક પોલીસ તહેનાત હોય છે છતાં બસો માતેલા સાંઢની માફ્ક દોડતી રહે છે તેવો રોષ લોકોએ વ્યક્ત કર્યો હતો. અવારનવાર અકસ્માત સર્જતી યમદૂત જેવી સિટી બસોના સંચાલન સામે પણ લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો ત્યારે પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવા પ્રયાસ કર્યો હતો.