રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ ?
આ વખતે ગુજરાતમાં મેઘરાજાએ ધીમી શરુઆત કરી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યા છે. ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના વરસાદની શક્યતા છે. વરસાદ ન પડવાને કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે ત્યારે મેઘરાજા મન મુકીને વરસે તો ખેડૂતોની ચિંતા દુર થશે.
અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આગામી ત્રણ દિવસ એટલે કે 22, 23 અને 24 જૂને દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ 28 જૂન પછી, રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા વધી શકે છે.
તો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, “ખેડૂત જમીન ખેડી શકે એવો વરસાદ થશે પરંતુ વાવણી થયા એવો વરસાદ બઘી જ જગ્યાએ થાય એવું કહી શકાય નહીં. ચોમાસા આગામી 28 જૂન પછી ફરી સક્રિય થવાની શક્યતા છે. કારણ કે મધ્ય એશિયામાંથી આવતા ગરમ પવનોથી ઉત્તર ભારતમાં ભારે ગરમી હતી. જેથી વાદળો વિખેરાઈ જતા હતા. તેમાં ભેજનું પ્રમાણ ઓછું હતું.
વલસાડમાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈ આજ રોજ NDRFની ટીમ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો જેવા કે કશ્મીરા નગર, બરૂડિયા વાડ, તળિયાવાડ, હનુમાન ભાગડા, બંદર રોડ, છીપવાડ દાણાબજાર સહિતના વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી હતી. સાથે પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો સાથે વાતચીત કરી તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો.
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા
અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાં શરુ થયા છે. અસહ્ય બફારા બાદ શરૂ થયા અમરેલીમાં વરસાદી ઝાપટા આવતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો. અમરેલીના દેવભૂમિ દેવળીયા, નાના ગોખરવલા, મોટા ગોખરવલા, ચકકરગઢ ગામમાં વરસાદ શરુ થયો હતો.