સર્વરના વાંકે રેશનકાર્ડ ધારકોને લોઢાશેક
કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે લોકોને રોજે-રોજ વ્યાજબી ભાવની દુકાનના ધક્કા : દુકાનદારો પણ થાક્યા
જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ-કઠોળ અને ચોખા સહિતની જણસ લેવા જતા રેશનકાર્ડ ધારકો માટે થમ્બ ઇમ્પ્રેશન ફરજીયાત બન્યા બાદ ઓનલાઇન કામગીરીમાં સર્વરના ધાંધિયાને કારણે ગરીબ રેશનકાર્ડ ધારકોને કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી વ્યાજબીભાવની દુકાને લાઈનમાં ઉભા રહી વારો આવવાના ઇન્તઝાર બાદ ફરી બીજા દિવસના ધરમધક્કા થતા હોવાની ફરિયાદ ઉઠી છે.
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ગરીબીના હિસ્સાનું અનાજ-કઠોળ, ખાંડ કે ચોખા બારોબાર ન વેચાઈ જાય તે માટે ઓનલાઇન પીડીએસ સિસ્ટમ અમલી બનાવી છે. જો કે જાહેર વિતરણ વ્યવસ્થાને ઓનલાઇન કરવા માટે કરોડો રૂપિયાના આંધણ પછી પણ સરકારની આ ઓનલાઇન સિસ્ટમ ક્યારેય સરખી ચાલતી નથી, વર્ષ 2011 બાદ બિલિંગ સિસ્ટમનુ કોમ્પ્યુટરીકરણ થયા પછી ખાસ કરીને સપ્લાયના પ્રોગ્રામને આધારના સર્વર સાથે જોડવામાં આવ્યા બાદ સર્વર ડાઉનની સમસ્યા વારંવાર ઉત્પન્ન થાય છે. જો કે સરકારને વારંવાર રજૂઆતો છતાં પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
બીજીતરફ રાજકોટ શહેર અને જિલ્લામાં જાહેર વિતરણની તારીખ દરમિયાન જ છેલ્લા ચાર દિવસથી સર્વર ધાંધિયા કરી રહ્યું હોવાથી ગરીબ રેશનકાર્ડ ધારકોને કાળઝાળ ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પોતાનો વારો આવતા થમ્બ ઇમ્પ્રેશન આપવા જતા જ સર્વર દઉં થઇ જતા રેશનકાર્ડ ઉપર મળતી વસ્તુઓ લેવા માટે ફરી બીજા દિવસે વ્યાજબીભાવની દુકાનના ધક્કા થાય છે અને ફરી જો સર્વર ડાઉન થાય તો ફરી પાછો ધક્કો ખાવો પડે છે.આમ વારંવાર સર્વરના ડખ્ખાને કારણે ગરીબ લાભાર્થીઓ તથા વાજબી ભાવના દુકાનદારો ખૂબ જ યાતનાઓ ભોગવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.