સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીઓને હિસાબી ટેબલ નહીં સોંપાય
- રાજ્ય સરકારે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ટેન્ડરમાં થયેલી ગેરરીતિ બાદ તમામ હોસ્પિટલને આદેશ કર્યો
રાજકોટ : સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સ હિસાબી કર્મચારી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાના ચકચારી બનાવમાં આ કર્મચારી સામે પગલાં લઈ શકાય તેમ ન હોય ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે રાજકોટ સહિત રાજ્યભરની સિવિલ હોસ્પિટલોમાં આર્થિક બાબતો અને હિસાબના ટેબલે આઉટસોર્સ કર્મચારીઓને ફરજ નહીં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે, આમ છતાં પણ જો કોઈ હોસ્પિટલમાં આઉટસોર્સ કર્મચારીને આવી કામગીરી સોપવામાં આવશે તો વિભાગના વડાને જવાબદાર ઠેરવી પગલાં ભરવામાં આવશે તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકારના કમિશનરની કચેરી આરોગ્ય,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલોને પરિપત્ર કરી હિસાબી કામગીરી સરકારમાંથી નિમણુંક થયેલ કર્મચારી મારફતે જ કરવા આદેશ જારી કર્યો છે, વધુમાં આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, રેન્દ્રનગરની મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં આઉટસોર્સ હિસાબી કર્મચારી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાના ચકચારી બનાવમાં આ કર્મચારી સામે પગલાં લઈ શકાય તેમ ન હોય ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તમામ હોસ્પિટલમાં હિસાબી કામગીરી આઉટસોર્સ કર્મચારીને નહીં સોંપતા કાયમી કર્મચારીને જ સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. આમ છતાં જો કોઈ હોસ્પિટલમાં આવી કામગીરી આઉટસોર્સ કર્મચારી પાસે કરાવવામાં આવશે તો સઘળી જવાબદારી સંસ્થાના વડાની રહેશે તેવું સ્પષ્ટ કરાયું છે.
સાથે જ અન્ય એક પરિપત્રમાં કમિશનરની કચેરી આરોગ્ય,તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા જણાવાયું છે કે, રાજય સરકાર હસ્તકની આરોગ્ય કચેરીઓ, સરકારી હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર,પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા દર્દીઓને અલગ અલગ યોજનાઓ અંતર્ગત નાણાંકીય ફાળવણી કરવામાં આવે છે પરંતુ ઉચાપત,ગેરરીતી અને અનિયમતતાઓ થવાથી લાભાર્થીઓને આવો લાભ ન મળતો હોય કોઈપણ કર્મચારી કે કરાર આધારિત કર્મચારી કે આઉટસોર્સ કર્મચારી આવી ગેરરીતિ કરતા હોય તો તાકીદે પોલીસ ફરિયાદ નોંધાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
