સિંચાઈ હસ્તકના ભાદર-૨ આજી-૨ અને લાલપરી ડેમ ફરી ઓવરફ્લો, મોરબીના મચ્છુ -૨ ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા, સુરેન્દ્રનગરના નાયકા ધોળીધજા ડેમ છલકાયા
રાજકોટ જિલ્લામાં મોડીરાતથી મેઘરાજા ફરી મહેરબાન બન્યા છે. મોડીરાતથી ધીમીધારે શરૂ થયેલ વરસાદના કારણે જિલ્લા અને રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં પાણીની પુષ્કળ આવક શરૂ થઈ છે જેમાં રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા ભાદર-૧, આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં પાણીની પુષ્કળ આવક શરૂ થતાં રાજકોટવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. સિચાઈ વિભાગના જણાવ્યા પ્રમાણે ભાદર -૧ડેમની આજી -૧ ની અને ન્યારી-૧માં પાણીની પુષ્કળ આવક શરૂ થતાં રાજકોટના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.
વરસાદના લીધે પાણીની આવક વધતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલા ભાદર-૨ ડેમનો એક દરવાજો ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યો છે. આ સાથે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તથા નીચેના અસરગ્રસ્ત ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના જારી કરવામાં આવી છે. જેમાં ધોરાજી ઉપલેટા અને કુતિયાણા તાલુકાના હેઠવાસમા આવતા ૨૪ થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની પૂર્ણ જળસપાટી ૫૩.૧ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૫૨.૫ મીટર છે. ડેમમાં નીરની આવક તથા જાવક ૬૭૩ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે
આજી-૨ ડેમના ત્રણ દરવાજા ખોલાયા
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકાના આજી-૨ ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે સવારે ૯.૫૪ કલાકે ડેમના ૦૩ દરવાજા ૦.૧૫ મીટર ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢાડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૭૩.૭૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૭૨.૫ મીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક ૮૪૦ ક્યુસેક છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો: ટાઇગર શ્રોફ સાથે ફિલ્મી ડેબ્યૂ કરશે એલ્વિશ યાદવ
લાલપરી ડેમ ૧૦૦ ટકા ભરાયો
વરસાદથી પાણીની આવક વધતાં રાજકોટ તાલુકા પાસે આવેલો લાલપરી ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડેમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.આ સાથે રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે. ડેમની પૂર્ણ જળસપાટી ૧૩૭.૪૬ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૧૩૭.૧૬ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૪.૬ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક ૪૭૪ ક્યુસેક છે, અને જાવક છે,
મચ્છુ-૨ ડેમ ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલાયા,૩૨ ગામ હાઈ એલર્ટ
મોરબી જિલ્લામાં આજ સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે મચ્છુ નદી ગાંડીતૂર બની છે જેના કારણે મોરબી શહેરમાં આવેલ મચ્છુ-૨ ડેમ ફરી ઓવરફ્લો થતાં ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા છે જેના પગલે હેઠવાસના ૩૨ ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. મચ્છુ-૨ ડેમમાં ૧૪,૬૩૮ ક્યુસેક પાણીની ભારે આવક થઈ રહી હોઈ જળાશયની સપાટી નિયંત્રિત રાખવા અર્થે બપોરે ૧૨:૦૦ કલાકે ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલીને ૧૪,૦૫૮ ક્યુસેક પાણી મચ્છુ નદીના પટમાં છોડવામાં આવશે. જળસ્તરમાં તીવ્ર વધારો થવાની સંભાવનાને પગલે પૂર નિયંત્રણના ભાગરૂપે હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જૂના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી શહેર અને વજેપર તેમજ માળિયા (મીં) તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મીં) અને રાસંગપર મળી કુલ ૩૨ ગામો/વિસ્તારો માટે અત્યંત સાવચેતીનું હાઈ એલર્ટ આપવામાં આવ્યું.
ધોળીધજા નાયકા ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરની જીવાદોરી સમાન ધોળીધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થયા છે જેના કારણે સુરેન્દ્રનગર સીટી, વઢવાણ સીટી, જોરાવરનગર અને રતનપર સહિત આસપાસના નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો જેવા કે મેમકા, ભડિયાદ, સાંકળી, ખમીસણા, નાના કેરાળા, નટવરગઢ, દોલાતપર, શિયાણી, રામરાજપર, પરનાળા અને જાંબુ ગામના તમામ નાગરિકોને એલર્ટ રહેવા જણાવાયું છે.
