હવે આધારકાર્ડ માટે RMCની કચેરીએ નહીં, વોર્ડ ઓફિસે જજો !! બજેટમાં જાહેર કરાયેલી વધુ એક યોજનાનો ‘108’ની ઝડપે અમલ શરૂ
સામાન્ય રીતે મહાપાલિકાનું બજેટ જાહેર થાય ત્યારે તેમાં સામેલ યોજનાઓનો ઘણા દિવસો બાદ પ્રારંભ થતો હોય છે અથવા તો એ યોજના કાગળ ઉપર જ રહી જતી હોય છે. જો કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2025-26નું જે બજેટ તૈયાર કરાયું હતું જેમાં સાકાર થઈ શકે તેવી જ યોજના સમાવાઈ હતી. હવે આ યોજનાઓનો 108ની ઝડપે પ્રારંભ પણ શરૂ થઈ ચૂક્યો છે. અત્યંત મહત્ત્વની કહી શકાય તેવી આધારકાર્ડને લગતી કામગીરી ઝોનલ કચેરીની જગ્યાએ દરેક વોર્ડ ઓફિસે જ કરવાની જાહેરાત કરાયા બાદ મંગળવારથી કાર્યવાહી શરૂ પણ કરી દેવામાં આવતાં લોકોને મોટી રાહત મળી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા પ્રમાણે અઢારેય વોર્ડની વોર્ડઓફિસે 17 વર્ષ સુધીના લોકો માટે નવું આધારકાર્ડ, નામ-સરનામા, જન્મતારીખ, જાતિ (પુરુષ-સ્ત્રી-અન્ય)માં સુધારા, બાયોમેટ્રિક (ફોટો+ફિંગરપ્રિન્ટ+આઈરીસ) અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, ઈ-મેઈલ આઈડી અપડેટ, ડોક્યુમેન્ટ અપડેટ સહિતની કાર્યવાહી સવારે 10ઃ30થી બપોરે ચાર વાગ્યા સુધી કરવામાં આવશે. જ્યારે બપોરે 2થી 2ઃ30 સુધી રિસેસ રહેશે. બપોરે 4થી 5 વાગ્યા સુધી આધાર નોંધણી કેન્દ્રો ઉપર આધાર સ્ટેટસ ચેકિંગ, અન્ય ટેકનીકલ કામગીરી, આધાર અંગે નિયત કરાયેલા ડોક્યુમેન્ટની અરજદારોને માહિતી આપવા સહિતની કામગીરી કરવામાં આવશે.
જો 18 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોને નવું આધારકાર્ડ કઢાવવું હોય તો તેમણે ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત હોમ એનરોલમેન્ટ માટે માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીનો સંપર્ક જ કરવાનો રહેશે.
આટલી જગ્યાએ આધારની કામગીરી થશે

જે વોર્ડમાં રહેતાં હોય તે વોર્ડની જ ઓફિસેથી જ થશે કામગીરી
મહાપાલિકા દ્વારા વોર્ડવાઈઝ આધાર કેન્દ્રની કામગીરી શરૂ કર્યા બાદ એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે નાગરિકો જે વોર્ડમાં રહેતાં હોય તેમણે તે વોર્ડની ઓફિસે જઈને જ કામગીરી કરાવવાની રહેશે. જો કે જે-તે વોર્ડઓફિસની આધારકિટ બંધ પડી ગઈ હશે તો પછી અરજદારને અન્ય વોર્ડની ઓફિસે મોકલવામાં આવશે.