- યુવતીની સાથે નોકરી કરતાં શખ્સે ધમકીઓ આપી રાજકોટ-અમદાવાદમાં અવાર નવાર બનાવી હવસનો શિકાર
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 24 વર્ષીય નર્સિંગ યુવતી પર તેની સાથે જ નર્સિંગનું કામ કરતાં વાંકાનેરના કાનપર ગામના વિધર્મી શખ્સે ધમકીઓ આપી તેણી પર રાજકોટ અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે યુવતીએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
માહિતી મુજબ રૈયા ચોકડી નજીક રહેતી 24 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મોરબી પંથકના કાનપર ગામના અર્ષદ ઈલિયાસ સેરસીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેણી રાજકોટમાં પરીવાર સાથે રહે છે અને એક ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. આરોપી અર્ષદ પણ તે જ હોસ્પિટલમાં નોકરી કરતો હોય જેથી તે પરીચયમાં આવ્યો હતો અને એકબીજાની ઓળખ થયાં બાદ બંને વચ્ચે ક્યારેક ક્યારેક વાતચીત થતી હતી. દરમિયાન અર્ષદ યુવતીને ફોન કરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.અને યુવતીએ પ્રેમ સંબંધ નહીં રાખવા માટે જણાવતાં તે ઉશ્કેરાયો હતો અને યુવતીની ઘરે આવી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.
તેની ધમકીઓથી કંટાળી યુવતી તેની સાથે સબંધ રાખવા માટે મજબૂર થઈ હતી. જે બાદ આરોપી યુવતીને અમદાવાદ લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત તેણીના ઘરે પણ ઘસી જઈ યુવતીનો અનેકવાર દેહ ચૂંથ્યો હતો. અંતે કંટાળી યુવતી પરિવારને વાત કરતાં યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.જે.મશાકપુત્રા અને સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં