બિહારમાં મહિલાઓને રીઝવવાની જામી હોડ! NDAના 10 હજાર સામે તેજસ્વીના રૂપિયા 30 હજારની સહાય આપવાનો વાયદો
બિહારમાં ચૂંટણીના પરિણામોમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા મહિલાઓ મતદારોને લક્ષ્ય બનાવી આરજેડી નેતા અને વિપક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે મહિલાઓને સીધી આર્થિક મદદ આપવાની મોટી જાહેરાત કરી છે. તેમણે વચન આપ્યું છે કે જો તેમની સરકાર બને તો બિહારની મહિલાઓને “માઈ બહેન માન યોજના” હેઠળ રૂપિયા 30,000ની સહાય એકસાથે 14 જાન્યુઆરીએ, મકરસંક્રાંતિના દિવસે આપવામાં આવશે.
બિહાર ચૂંટણીની વચ્ચે મહિલા મતદારોને રિઝવવા માટે એનડીએ અને મહાઘઠબંધન વચ્ચે સ્પષ્ટ સ્પર્ધા સર્જાઈ છે. એનડીએ સરકાર પહેલેથી જ “મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના” અંતર્ગત એક કરોડથી વધુ મહિલાઓના ખાતામાં રૂપિયા 10,000 જમા કરાવી ચૂકી છે જેનો લાભ મહિલાઓને નાના ધંધા શરૂ કરવા માટે આપવામાં આવ્યો હતો.
આ યોજનાને ટક્કર આપવા માટે તેજસ્વી યાદવે મંગળવારે પાટનામાં યોજેલી પ્રેસ કૉન્ફરન્સમાં મોટી જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, “બિહારની તમામ માતાઓ અને બહેનો માટે આ યોજના આર્થિક ન્યાય આપશે. તમામ મહિલાઓની એક જ સ્વરમાં માંગણી હતી કે રકમ માસિક નહીં, પરંતુ એકસાથે આપવામાં આવે. તેથી અમે નિર્ણય લીધો છે કે મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીએ તમામ મહિલાઓના ખાતામાં 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કરીશું.”
આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કરશે સમીક્ષા, ડેડીયાપાડામાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધશે
વિપક્ષ દ્વારા તાજેતરમાં જ જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં મહિલાઓને દર મહિને 2,500 રૂપિયાની સહાય શરૂ કરવાની જાહેરાત હતી, જે મુજબ દર વર્ષે કુલ 30 હજાર રૂપિયા મળવાના હતા. પરંતુ હવે તેજસ્વી યાદવે આ રકમ એકસાથે આપવાનો વાયદો કરી વધુ મોટો દાવ રમ્યો છે.
આ પણ વાંચો : માવઠાથી રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતને આર્થિક ફટકો : કલેકટર-DDOએ CMને નુકસાનીનો ચિતાર આપ્યો
મહિલાઓ ઉપરાંત તેજસ્વી યાદવે ખેડૂતો માટે પણ અનેક જાહેરાતો કરી. તેમણે કહ્યું કે તેમની સરકાર આવશે તો ધાન માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા અને ઘઉં માટે 400 રૂપિયાનો બોનસ એમએસપી ઉપર આપવામાં આવશે. ઉપરાંત, શિક્ષકો, પોલીસકર્મીઓ, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ તેમની વતન જિલ્લાથી 70 કિલોમીટરના વ્યાસમાં જ કરવા પર ભાર મૂક્યો. તેજસ્વી યાદવે આ સાથે જ જૂની પેન્શન યોજના (ઓલ્ડ પેન્શન સ્કીમ) અમલમાં મૂકવાનો પણ વાયદો કર્યો છે. બિહારમાં બે તબક્કામાં મતદાન 6 અને 11 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.
