1 જાન્યુઆરી 2025ની સ્થિતિએ 18 વર્ષની ઉંમરના મતદારો 28 ઓક્ટોબર સુધી નામ નોંધાવી શકાશે
રાજકોટ : ચૂંટણીપંચ દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં બુધવારથી ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો છે, જે અન્વયે રાજકોટ શહેર જિલ્લામાં 2236 બીએલઓ મતદાર યાદી સુધારણા માટે કામે લાગ્યા છે, તા.1 જાન્યુઆરી 2025ની સ્થિતિએ 18 વર્ષની ઉંમર ધરાવતા નવા મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકશે. ખાસ કરીને ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝુંબેશની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી બાદ ચૂંટણીપંચ દ્વારા મટર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં 1 જાન્યુઆરી 2025ની સ્થિતિએ 18 વર્ષની ઉંમર ધરાવતા નવા મતદારોના નામ ઉમેરવાની સાથે બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કામગીરી કરવામાં આવશે જેમાં મતદાર યાદીમાં નામ સુધારણા, સરનામાં ફેરફાર, સ્થળ ફેરફાર, સ્થળાંતર ફોટોગ્રાફની ગુણવત્તામાં સુધારો સહિતની સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ સહિતની કામગીરી આગામી તા.28મી ઓક્ટોબર સુધી કરવામાં આવશે.
વધુમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત 28 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા બાદ 29 ઓક્ટોબર સુધી હકક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે. ઉપરાંત મતદાર યાદીના પેરામીટર્સની ચકાસણી અને મતદાર યાદીનો ડેટાબેઝ અદ્યતન કરાયા બાદ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ તા. 6 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે.હાલમાં રાજકોટ શહેર જિલ્લામાં 2236 જેટલા બીએલઓ ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરીમાં લાગી ગયા છે અને પંચની સૂચના મુજબ આગામી દિવસોમાં રવિવાર સહિતના દિવસોમાં ખાસ ઝુંબેશ યોજી મતદાર યાદી સુધારણા કામગીરી કરવામાં આવનાર હોવાનું ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.