સોમવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થતા જ સચરાચર મેઘમહેરથી જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં આજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. સવારે 8થી 10 એમ બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન છે ત્યારે ઉપલેટા શહેરમાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ (55 mm) વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ભાદર ચોક વિસ્તાર શાકમાર્કેટ વિસ્તાર સિંધી બજાર, કટલેરી બજાર,હિરાબા પ્લોટ વિસ્તાર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘૂંટણસમા પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉપલેટાના ગ્રામ્ય પંથકના ખાખી જાળીયા, સેવંત્રા, મોજીરા, તલંગણા, કુઢેચ, મજેઠી, લાઠ, ભીમોરા, સમઢીયાળા, કાથરોટા સહિતના અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીન જેવા પાકોને ભરપુર ફાયદો થશે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા હતી. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
3 દિવસ કેવો રહેશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 11મી,12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.