- રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 83 પૈકી મોટાભાગના જળાશયો છલોછલ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસાદના વિદાય વેળાના આખરી રાઉન્ડમાં પડેલા ધોધમાર વરસાદને પગલે રાજકોટની જીવાદોરી આજી-ભાદર સહિત રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના કુલ 83 પૈકી મોટાભાગના જળાશયો છલોછલ બન્યા છે અને વરસાદના આખરી રાઉન્ડ બાદ એક ડઝનથી વધુ ડેમ ઓવરફ્લો થયા હોવાનું સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક થતા એક ડઝનથી વધુ ડેમ છલકાઈ રહ્યા છે તેમજ અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, વધુમાં ભાદર ડેમના 5 દરવાજા 0.6 મીટર ખોલવામાં આવ્યા છે, એ જ રીતે મોજ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે તો ફોફળ, આજી-1, સોડવડર, વેરી, ફાડદંગ બેટી, ઈશ્વરીયા ડેમ ઓવર ફ્લો થયા છે, જામનગર જિલ્લામાં સસોઈ,પન્ના અને ઊંડ -3 ડેમ ઓવર ફ્લો થઇ રહ્યા છે. તો દ્વારકાનો ઘી અને અમરેલી જિલ્લાનો સાકરોલી ડેમ પણ ઓવરફ્લો થઇ રહ્યો છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના સાત, મોરબી જિલ્લાના ત્રણ અને રાજકોટ જિલ્લાના 14 ડેમમાં વરસાદને પગલે નવા નીરની આવક થતા રુલ લેવલ જાળવણી માટે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હોવાનું રાજકોટ સિંચાઈ વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.