રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટમાં ‘માભો’ પાડવા પોલીસ માટે 1100 જોડી કપડાં, 200 કોટી અને 100 બ્લેઝર બન્યા
આવતીકાલે રવિવારે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવાનું છે. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપરાંત ટોચના નેતાઓ સહિતનાની અવર-જવર રહેવાની છે ત્યારે તેમાં `માભો’ પડી જાય અને વીવીઆઈપી-વીઆઈપીની સુરક્ષા માટે તૈનાત પોલીસ અધિકારીઓ-જવાનો અપ ટુ ડેટ લાગે એટલા માટે સરકારના આદેશથી 1100 જોડી કપડાં, 200 કોટી અને 100 બ્લેઝર બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે આ પ્રકારનો વૈશ્વિક કક્ષાનો કાર્યક્રમ હોય એટલે સરકાર દ્વારા નક્કી કરાયેલા પ્રોટોકોલ પ્રમાણે પોલીસ માટે કપડાં-શૂઝ સહિતની વ્યવસ્થા કરવાની હોય છે. આ પ્રોટોકોલને ધ્યાનમાં રાખી બંદોબસ્તમાં તૈનાત રહેનાર 1100 જવાનો માટે એક જ રંગની કપડાંની જોડી સિવડાવવામાં આવી છે. આ કામ અલગ-અલગ દુકાનોને આપવામાં આવ્યું હતું. આ જ રીતે પોલીસ કમિશનર, રેન્જ આઈજી, એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી સહિતના અધિકારીઓ માટે 100 બ્લેઝર તો એસીપી-પીઆઈ સહિતના માટે 200 કોટીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કોટી અને બ્લેઝર રાજકોટની જાણીતા ગાર્મેન્ટને કામ આપવામાં આવ્યું હતું.
બીજી બાજુ કાર્યક્રમ આડે એક જ દિવસ બાકી હોય સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ના અધિકારીઓ તેમજ જવાનો સાથે મળીને પોલીસ દ્વારા મારવાડી યુનિવર્સિટી, બેડી માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હેલિપેડ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં અને હિરાસર એરપોર્ટ ખાતે રિહર્સલ કરાયા બાદ આજે શનિવારે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવશે.
