IPL 2027 પહેલા એક મોટો સમાચાર સામે આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ પોતાની કોચિંગ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. લાંબા સમય સુધી ચેન્નાઈની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્ટીફન ફ્લેમિંગની વિદાય બાદ ટીમ મેનેજમેન્ટે ભારતના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર અને 2011 વર્લ્ડ કપના હીરો ઝહીર ખાનને ચેન્નાઈ સુપર કિંગ્સનો નવો હેડ કોચ બનાવ્યો છે. હવે IPL 2027માં ઝહીર ખાન CSKને સફળતા અપાવવા માટે ટીમ સાથે કામ કરતા જોવા મળશે. ઝહીર ખાન કોઈ અજાણ્યું નામ નથી. પોતાની 14 વર્ષની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઝહીરે ભારત માટે 92 ટેસ્ટ, 200 વનડે અને 17 T20 મેચ રમી છે.
IPLમાં પણ તેમણે 100 મેચ રમી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદથી તેઓ સતત કોચિંગ અને ખેલાડીઓને તૈયાર કરવાના કામ સાથે જોડાયેલા રહ્યા છે. CSKની માલિક રૂપા ગુરુનાથ અને મેનેજિંગ ડિરેક્ટર કે.એસ. વિશ્વનાથને ઝહીર ખાનનું સ્વાગત કરતાં કહ્યું કે તેઓ ક્રિકેટને ખૂબ સારી રીતે સમજતા લોકોમાંથી એક છે. ખાસ કરીને યુવા ઝડપી બોલરોને તૈયાર કરવાની તેમની આવડતથી ચેન્નાઈની ટીમ વધુ મજબૂત બનશે.
ઝહીર ખાને ખુશી વ્યક્ત કરી
CSKના હેડ કોચ બન્યા બાદ ઝહીર ખાન પણ ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે IPLની સૌથી સફળ અને જાણીતી ટીમોમાંથી એકનો ભાગ બનવું તેમના માટે સન્માનની વાત છે. પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન તેમણે મેદાન પર ઘણી વખત CSK સામે મુકાબલો કર્યો છે અને હવે ચેપોકના ‘સુપરફેન્સ’નો જુસ્સો નજીકથી અનુભવવા માટે તેઓ ઉત્સાહિત છે.
ધોની સાથે બનશે નવી રણનીતિ
હવે ચાહકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે મેદાનની બહાર અને ટીમ મેનેજમેન્ટમાં એમ.એસ. ધોની અને ઝહીર ખાનની નવી જોડી શું કમાલ કરશે. છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ મોટા ફેરફાર સાથે IPL 2027માં નવા જોશ અને નવા અંદાજ સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે.
