અધિકારી સામે ફરિયાદ બાદ થઈ રહેલી તપાસ અંગે કમિશનર, ટીપીઓ, ચેરમેન બધા જ અજાણ !
અગ્નિકાંડમાં દાઝી ગયા બાદ પણ ટાઉન પ્લાનિંગ વિભાગની `લાલીયાવાડી’ તો જુઓ…
જનરલ બોર્ડમાં ઈન્ચાર્જ ટાઉન પ્લાનરે લેખિતમાં જવાબ આપ્યો કે ત્રણ હંગામી ઝોનલ ટાઉન પ્લાનર પૈકી એક અધિકારી સામે થયેલી ફરિયાદની તપાસ ચાલી રહી છે
આ ફરિયાદ ભ્રષ્ટાચારની છે કે બીજી કોઈ, તપાસ ક્યાં પહોંચી, ચાલી રહી છે કે પૂરી થઈ તે અંગે કોઈને કશો ખ્યાલ જ નથી
ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકામાં સૌથી વધુ જો કોઈ વિભાગ બદનામ થયા હોય તો સૌથી પહેલાં ટાઉન પ્લાનિંગ અને બીજા ક્રમે ફાયર વિભાગ રહ્યો હતો. ફાયર વિભાગમાં તો ઘણે અંશે વિવાદ શાંત થઈ ગયા પરંતુ ટાઉન પ્લાનિંગ વિભાગ હજુ પણ સુધરવાનું નામ લઈ રહ્યો ન હોય તેમ છાશવારે આ વિભાગની `કારીગરી’ ચમક્યે જ રાખે છે. હદ તો ત્યાં થઈ ગઈ કે જનરલ બોર્ડ કે જેમાં અપાયેલો જવાબ પથ્થરની લકીર માનવામાં આવે છે તેમાં પણ હવે અધિકારીઓ ઉઠા ભણાવવાનું શીખી ગયા છે !
અગ્નિકાંડ બાદ ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી સરળ થઈ શકે તે માટે મુખ્ય ટાઉન પ્લાનિંગ ઓફિસર ઉપરાંત ત્રણ ઝોનલ ટાઉન પ્લાનરની નિમણૂક કરવામાં આવી હતી. આ અંગે જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં જણાવ્યા પ્રમાણે ત્રણેય ઝોનલ ટાઉન પ્લાનર હંગામી છે કે કાયમી અને ત્રણેય અધિકારીઓ સામે કોઈ ફરિયાદ છે કે અને જો હોય તો તેની તપાસ ચાલી રહી છે કે કેમ ? આ સહિતના પ્રશ્નનો ઈન્ચાર્જ ટાઉન પ્લાનર હિતાર્થ એમ આર્ય.દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો હતો કે ત્રણ પૈકી એક અધિકારી સામે ફરિયાદ થઈ છે અને તેની તપાસ ચાલી રહી છે.
હવે ત્રણ પૈકી એક અધિકારી કોણ તે અંગે સૌથી પહેલાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પૂછવામાં આવતાં તેઓ પણ આ અધિકારી કોણ છે તે અંગે અજાણ હોવાનું અને તપાસ કરીને જવાબ આપશે તેવું જણાવી દીધું હતું. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન અનિલ ચૌહાણને પૂછાતાં તેઓ પણ આ મુદ્દે તપાસ કરી રહ્યાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ ઈન્ચાર્જ ટાઉન પ્લાનર હિતાર્થ આર્યાને પૂછવામાં આવતાં તેમણે એમ જણાવ્યું હતું કે વેસ્ટ ઝોનના ટાઉન પ્લાનર ભાર્ગવ વી.બરવાળિયા સામે તપાસ ચાલી રહી છે પરંતુ તેમની સામે શું ફરિયાદ છે, તેની તપાસ ક્યાં પહોંચી તે અંગે તેઓ અજાણ છે. તેમણે તો એવું પણ જણાવ્યું કે તેઓ હજુ નવા જ હોવાથી તેમને આ ફરિયાદ અંગેનો વધુ ખ્યાલ નથી !!
મેયરના પરિપત્રનો પણ ઉલાળિયો !
ગત મહિને મળેલા જનરલ બોર્ડમાં અધિકારીઓ દ્વારા કોર્પોરેટરોને લેખિતમાં અધૂરા જવાબ આપી દેવામાં આવતા હોવાથી મેયર ડૉ.નેહલ શુક્લ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો કે બોર્ડ બાદ કોર્પોરેટરોને તમામ વિગતો આપવી. જો કે ટાઉન પ્લાનર સામે થયેલી ફરિયાદ અને ચાલી રહેલી તપાસ અંગે ફરી અધૂરો જવાબ આપવીને અધિકારીઓએ મેયરના પરિપત્રનો ઉલાળિયો પણ કર્યો છે ત્યારે આ મુદ્દાને મેયર દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવે તે જરૂરી છે.
