આજે પાકિસ્તાન સામે મેચ પહેલાં ભારતની ચિંતામાં વધારો : રોહિત શર્મા ફરી ઈજાગ્રસ્ત
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
ટી-૨૦ વર્લ્ડકપમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. આ મેચ પહેલાં ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પરેશાન કરી રહી છે. રોહિત આયર્લેન્ડ વિરુદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હવે ફરી વાર તેને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રોહિત શર્માને અંગૂઠામાં ઈજા થઈ છે. તેને આ ઈજા નેટ પ્રેક્ટિસ દરમિયાન થઈ છે. તે જ્યારે નેટમાં શ્રીલંકન થ્રો-ડાઉન નિષ્ણાત નુવાન વિરુદ્ધ પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે દડો અજીબ રીતે ઉછળ્યો અને સીધો હાથમાં વાગ્યો હતો. રોહિત દર્દથી ઉછળી ઉઠ્યો હતો. આ પછી તુરંત ફિઝિયો દોડી આવ્યા હતા. રોહિતે ત્યારબાદ થોડી વાર બીજા છેડે પ્રેક્ટિસ કરીને નેટમાંથી બહાર નીકળી ગયો હતો. બીજી બાજુ રોહિતને કેવી ઈજા થઈ છે તે અંગે બીસીસીઆઈ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.