શમીમાં હજી બોલિંગ ઘણી બાકી છે…
- વિજય હઝારે ટ્રોફીમાં હરિયાણા વિરુદ્ધ તરખાટ મચાવી ચેમ્પિયન્સ ટ્રોફી માટે દાવેદારી કરી વધુ મજબૂત
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વિજય હઝારે ટ્રોફીમાં બંગાળ વતી રમતા હરિયાણા વિરુદ્ધ દમદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમમાં વાપસી કરવા માટે મહેનત કરી રહેલા શમીની નજર હવે આગામી ઈંગ્લેન્ડ શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ થનારી ટીમ પર છે. ફાસ્ટ બોલર શમી ૨૦૨૩માં રમાયેલી વન-ડે વર્લ્ડકપના ફાઈનલ બાદથી ટીમમાંથી બહાર થઈ ગયો છે. પાછલા વર્ષે તેના પગની એડીની સર્જરી પણ થઈ હતી.
શમીએ હઝારે ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ૧૦ ઓવર ફેંકીને ૬૧ રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ખેડવી હતી. શમીને પહેલી સફળતા છઠ્ઠી ઓવરમાં મળી હતી. તેણે હરિયાણાના ઓપનર હિમાંશુ રાણાને આઉટ કર્યો હતો. પ્રથમ સ્પેલમાં શમીએ ૬.૬૭ની ઈકોનોમીથી રન આપ્યા હતા પરંતુ ડેથ ઓવરમાં તેણે સારી વાપસી કરી દિનેશ બાના, અંશુલ કંબોજને આઉટ કર્યા હતા.