IPLથી ટીમ ઈન્ડિયાના ઘાયલ્સ’ની થશે વાપસી
પંત, સૂર્યકુમાર, રાહુલ, હાર્દિક સહિતનાપૈસાદાર લીગ’ રમવા માટે સજ્જ: અમુકે તો તૈયારી પણ શરૂ કરી દીધી
ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવામાં વ્યસ્ત છે. કે.એલ.રાહુલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત સહિતના દિગ્ગજો ફિટનેસ, ફોર્મ અથવા વ્યક્તિગત કારણોસર ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીમાં રમી રહ્યા નથી. જો કે આ તમામ આઈપીએલથી વાપસી કરે તેવી શક્યતાને નકારી શકાતી નથી.
દિલ્હી કેપિટલ્સ ટીમનો કેપ્ટન ઋષભ પંત ૧૫ મહિનાથી ઈજાને કારણે ક્રિકેટથી દૂર છે. હવે તે આઈપીએલમાં વાપસી કરવા માટે સજ્જ છે. તે પ્રેક્ટિસ કરી રહ્યો હોય તેવા વીડિયો સતત આવી રહ્યા છે. આવી જ રીતે વર્લ્ડકપ-૨૦૨૩ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને બહાર થઈ જનારો હાર્દિક પંડ્યા પણ વાપસી માટે તૈયાર છે. તેણે પોતાની ફિટનેસના પૂરાવા વીડિયો શેયર કરીને આપ્યા છે સાથે સાથે ડી.વાઈ.પાટિલ ટી-૨૦ કપમાં પણ તે રમી રહ્યો છે. આ વખતે તે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળવાનો છે.
જ્યારે કે.એલ.રાહુલ પણ ઈજાને કારણે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીથી બહાર છે. તે ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટમાં પણ રમે તેવી શક્યતા નહીંવત્ છે. જો કે તે આઈપીએલ પહેલાં ફિટ થઈ જો તે વાત પાક્કી છે. લખનૌ સુપરજાયન્ટસ ટીમના ચાહકો રાહુલ ટીમ માટે ઉપલબ્ધ રહે તેવી કામના કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવે જાન્યુઆરીમાં જર્મની જઈને સર્જરી કરાવી હતી જે પછી તે આરામ કરી રહ્યો છે. હવે તે ફિટ થઈ ગયો હોવાથી આઈપીએલથી વાપસી કરશે.
કોહલી ફિટ છતાં રમવાનું પાક્કું નથી !
વિરાટ કોહલી જાન્યુઆરીથી ક્રિકેટના મેદાનથી દૂર થઈ ગયો છે. તેણે વ્યક્તિગત કારણોથી ટીમ ઈન્ડિયાથી અંતર જાળવ્યું છે. કોહલી ૧૫ ફેબ્રુઆરીએ પિતા બન્યો છે પરંતુ તે મેદાન પર ક્યારે વાપસી કરશે તેનું કંઈ જ નક્કી નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોહલીના ચાહકો આશા રાખી રહ્યા છે કે કોહલી આઈપીએલમાં જરૂર રમશે.