અમેરિકામાં વિરાટ કોહલીને અપાયેલી સુરક્ષા તો જુઓ !
ટી-૨૦ વર્લ્ડકપની શરૂઆત થઈ ચૂકી છે. ભારત બુધવારે પોતાની પહેલી મેચ આયર્લેન્ડ સામે રમશે. દરમિયાન વિરાટ કોહલી પણ અમેરિકા પહોંચી ચૂક્યો છે. અમેરિકાએ ભારતીય ટીમની સિક્યોરિટીમાં જરા અમથી કચાશ રાખી નથી. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનું સૌથી મોટું નામ છે એટલા માટે તેના માટે સજ્જડ સુરક્ષા-વ્યવસ્થા રખાઈ છે. વાયરલ વીડિયોમાં આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કોહલી સ્ટેડિયમની અંદર જઈ રહ્યો છે અને તેની સાથે ઘણા બધા ગાર્ડ છે જે તેને ચારેય બાજુથી ઘેરીને ચાલી રહ્યા છે. સાથે જ કોહલીની નજીક પણ કોઈને આવવા દેવાતા નથી. કોહલીના ચાહકો ભારતમાં જ નહીં બલ્કે દુનિયાભરમાં કરોડોની સંખ્યામાં છે. તેના ઈન્સ્ટાગ્રામ ઉપર ૨૫૦ મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
કોહલી માટે આ વખતની આઈપીએલ શાનદાર રહી હતી. તેણે સૌથી વધુ રન બનાવ્યા હતા. આરસીબીને સળંગ ૬ મેચમાં જીત અપાવીને પ્લેઑફ સુધી પહોંચાડવામાં કોહલીનો રોલ મહત્ત્વનો રહ્યો હતો. કોહલીએ ૧૫ મેચમાં સૌથી વધુ ૭૪૧ રન બનાવ્યા હતા જેમાં એક સદી અને પાંચ ફિફટી સામેલ છે.