ગૃહિણીને શેરબજારની ‘ટીપ’ ૧૭ લાખમાં પડી !
ઈન્સ્ટાગ્રામ પર શેરબજારમાં રોકાણ કરવાની જાહેરાત જોઈ'ને ફસાયા
ગઠિયાઓએ વૉટસએપ ગ્રુપમાં એડ કરી કટકે કટકે પૈસા પડાવ્યા
કારસ્તાનને અંજામ આપનાર વલસાડનો શખ્સ પોલીસ સકંજામાં
રાજકોટ સહિત આખા દેશમાં અત્યારે સાયબર માફિયાઓની જાળ એટલી હદે પથરાઈ ગઈ છે કે દરરોજ મોટી સંખ્યામાં લોકો તેનો ભોગ બની રહ્યા છે. ગઠિયાઓનો આવો જ એક વધુ
શિકાર’ રાજકોટના ગૃહિણી બન્યા હતા જેમને શેરબજારની એક ટીપ ૧૭ લાખમાં પડી હતી.
આ અંગે ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર, બાલાજી હોલ પાછલ પદમી સોસાયટીમાં રહેતા પટેલ ગૃહિણીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લા સાત વર્ષથી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વૉટસએપ સહિતની એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. દરમિયાન ગત તા.૨૬ ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જોઈ હતી જે શેરબજારમાં રોકાણ કરવાને લગત હતી. આ જાહેરાતમાં એક વૉટસએપ ગ્રુપની લીન્ક આપી હતી જે ખોલતાં તેમાંથી એક ઈ૮૬એઆઈએમ ટી આચીવ નામનું ગ્રુપ ખુલ્યું હતું. આ લીન્કમાં ઓનલાઈન સ્ટોક માર્કેટ શીખવા માટેનું ગ્રુપ હતું જેમાં ગૃહિણી પણ જોડાઈ ગયા હતા. અહીં અલગ-અલગ શેરની ટીપ્સ આવતી હતી તેથી એ જ ગ્રુપમાં બીજી લીન્ક આવતાં તે ખોલી તેમાં એડ થયા હતા. અહીં દરરોજ સાંજે ૭:૩૦થી ૮:૩૦ સુધી શેરબજારમાં રોકાણ અંગેની તાલીમ અપાતી હતી.
આ ગ્રુપમાં શેર લેવા માટેની ટીપ્સ આવતા ગૃહિણીએ તે શેરની ખરીદી હતી જેનું વેચાણ કરતાં નફો થયો હતો. આ નફાને કારણે ગૃહિણીને વિશ્વાસ આવી ગયો હતો અને તેણે વધુ રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. આ પછી ગઠિયાઓએ મહિલા પાસેથી નાણાં ખંખેરવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલાં ૬-૫-૨૦૨૪ના તેમની પાસેથી ૫૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ બે મહિનાની અંદર છ વખત ગૃહિણી પાસેથી ૧૭.૪૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આશ્ચર્યની વાત એ છે કે ટીપ્સના આધારે ગૃહિણીએ જે શેર ખરીદ કર્યા તેનો નફો પણ બતાવતો હતો પરંતુ એ નફો ઉપાડી શકતા ન્હોતા. ગત તા.૨૯-૫-૨૦૨૪ના ગૃહિણીને એક વૉટસએપ મેસેજ આવ્યો હતો જેમાં એવું લખેલું હતું કે તમને એસએમઈ આઈપીઓ લાગ્યો છે જેના રૂપિયા ઓનલાઈન ભરવા પડશે નહીંત કાયદાકીય કાર્યવાહી કરાશે સાથે સાથે ભરેલા પૈસા પણ પરત મળશે નહીં ! એકંદરે આ પ્રકારની ધમકી મળતાં ગૃહિણી ગભરાઈ ગયા હતા અને આખરે તેમણે ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઈમે વલસાડના ગઠિયાને સકંજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.