આજે બે બળુકી ટીમ વચ્ચે મુકાબલો: લખનૌ-પંજાબ વચ્ચે જામશે જંગ
સાંજે ૭:૩૦ વાગ્યાથી લખનૌના ઈકાના સ્ટેડિયમ પર ટક્કર: બન્ને ટીમના બેટર ફૂલ ફોર્મમાં
ઉત્સાહી કેપ્ટન ઋષભ પંતની આગેવાનીમાં લખનૌ સુપરજાયન્ટસ આજે પંજાબ કિંગ્સ સામે જીતના ઈરાદા સાથે પોતાના ઘરેલું મેદાન લખનૌના ઈકાના સ્ટેડિયમ ઉપર ઉતરશે. આ મેચમાં લખનૌના નિકોલસ પૂરનનું ધમાકેદાર ફોર્મ અને પંજાબના શ્રેયસ અય્યરની કેપ્ટનશિપની ઝલક જોવા મળશે. બન્ને ટીમે ટૂર્નામેન્ટની શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય આજની મેચ રોમાંચક બની રહેવાની શક્યતા છે. પૂરન શાનદાર ફોર્મમાં છે અને તેણે પોતાની પાછલી પાંચ મેચમાં ૨૫૦થી વધુ રન બનાવ્યા છે એટલા માટે તે એકલા હાથે એલએસજી વતી મેચનું પાસું પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.
અય્યરે પાછલી મેચમાં ૪૨ બોલમાં અણનમ ૯૭ રન ઝૂડ્યા હતા. બન્ને ટીમ પોતાના પ્રદર્શનને વધુ શ્રેેઠ બનાવવા માટે ઉત્સુક છે. લખનૌને દિલ્હી સામે એક વિકેટે હાર મળ્યા બાદ જોરદાર વાપસી કરી હૈદરાબાદ વિરુદ્ધ જીત હાંસલ કરી હતી. બીજી બાજુ પંજાબે અભિયાનની શરૂઆત ગુજરાત ઉપર શાનદાર જીત સાથે કરી હતી. પૂરન ઉપરાંત મિશેલ માર્શ પણ લખનૌ ટીમનું જમાપાસું છે. ઋષભ પંત અને ડેવિડ મીલર હજુ સુધી કશું ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. બોલિંગમાં શાર્દૂલ ઠાકુર અત્યારે ફુલ ફોર્મમાં રમી રહ્યો છે.
લખનૌ ગ્રાઉન્ડ ઉપર સ્પિનરોનું ખાસ્સું પ્રભુત્વ રહે છે. જો કે બાદમાં ઝાકળ પડવાથી લક્ષ્યાંકનો પીછો કરનારી ટીમને વધુ ફાયદો થઈ શકે છે. જો કે કાગળ ઉપર અત્યારે લખનૌ કરતાં પંજાબ મજબૂત દેખાઈ રહ્યું છે કેમ કે તેની પાસે બેટિંગ લાઈનઅપ વધુ મજબૂત છે એટલા માટે લખનૌના બોલરોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી બની રહેશે.