આવતીકાલથી રેસીપ્રોકલ ટેરીફનો અમલ શરૂ વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલનો ખતરો
ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલથી રેસીપ્રોકલ ટેરીફ લાદવાની ફરી એક વખત જાહેરાત કરવામાં આવી હતી. તેમણે વધુ એક વખત બીજી એપ્રિલને મુક્તિ દિવસ ગણાવી વેપાર નીતિ પરના આક્રમક વલણનો સંકેત આપ્યો હતો.
જોકે વારંવાર નિર્ણયો બદલાવા માટે પ્રખ્યાત બનેલા ટ્રમ્પ હવે ખરેખર બે એપ્રિલથી એ નિર્ણય અમલમાં મૂકે છે કે કેમ તે તરફ સૌની મીટ મંડાઈ છે. જો સમાન ટેક્સનો અમલ શરૂ થશે તો વિશ્વ સ્તરે ટેરીફ વોર ફાટી નીકળવાના ખતરો મંડરાઈ રહ્યો છે.
ટ્રમ્પે ફેબ્રુઆરીમાં સૌ પ્રથમ કેનેડા અને મેક્સિકોમાંથી આવતી વસ્તુઓ પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી.જોકે વહીવટીતંત્રે તેના અમલને માર્ચ સુધી મુલતવી રાખ્યો હતો અને ઓટો ઉદ્યોગને અસ્થાયી રાહત આપી હતી. પણ સાથે જ 2 એપ્રિલથી ટેરીફ નો અમલ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
બીજી તરફ ચીનને આવી કોઈ રાહત મળી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે ચીની માલ પર વધારાના 20 ટકા ટેરિફ લાદ્યા હતા. નોંધનીય છે કે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા વર્ષોથી ટેરિફની શ્રેણીનો સામનો કરી રહી છે પરંતુ આ તાજેતરનો રાઉન્ડને કારણે બંને દેશો વચ્ચે તણાવવધ્યો છે.આ અગાઉ ટ્રમ્પ ના આદેશ બાદ માર્ચના મધ્યમાં, સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકા ટેરિફ અમલમાં આવ્યા હતા.અને હવે આયાતી ઓટોમોબાઇલ્સ પર 3 એપ્રિલથી 25 ટકા ટેરિફ લાગુ થશે.
‘ ડર્ટી 15 ‘ રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ
યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા 15 રાષ્ટ્રની યાદી બનાવવામાં આવી છે જેની સાથે અમેરિકા સૌથી વધારે વેપાર ખાધ ધરાવે. એ યાદીને ડર્ટી 15 કહેવામાં આવે છે. ટ્રમ્પે જોકે હજુ સુધી બીજી એપ્રિલ થી લાગુ થનાર સમાન ટેક્સ અંગેની સંપૂર્ણ વિગતો જાહેર નથી કરી પરંતુ ટેરિફમાં સૌથી વધારે એ દેશોનેનિશાન બનાવવામાં આવશે તેવું માનવામાં આવે છે.
યુરોપિયન યુનિયન – 235.6 બિલિયન ડોલર
મેક્સિકો – 171.8 બિલિયન ડોલર
વિયેતનામ – 123.5 બિલિયન ડોલર
આયર્લેન્ડ – 86.7 બિલિયન ડોલર
જર્મની – 84.8 બિલિયન ડોલર
તાઇવાન – 73.9 બિલિયન ડોલર
જાપાન – 68.5 બિલિયન ડોલર
દક્ષિણ કોરિયા – 66.0 બિલિયન ડોલર
કેનેડા – 63.3 બિલિયન ડોલર
ભારત – 45.7 બિલિયન ડોલર
થાઇલેન્ડ – 45.6 બિલિયન ડોલર
ઇટાલી – 44.0 બિલિયન ડોલર
સ્વિટ્ઝર્લેન્ડ – 38.5 બિલિયન ડોલર
મલેશિયા – 24.8 બિલિયન ડોલર
વૈશ્વિક સ્તરે ટેરિફ વોર વધુ તીવ્ર બનવાના એંધાણ
ચીને યુએસના સોયાબીન ઉપરાંત અન્ય કૃષિ ઉત્પાદનો પર 10 ટકા અને 15 ટકાના પ્રતિ-ટેરિફ લાદ્યા છે. યુરોપિયન યુનિયને યુએસના સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફના જવાબમાં 28 અબજ ડોલર સુધીની યુએસ વસ્તુઓ પર ડ્યુટી લાદવાની ધમકી આપી છે, જેમાં બોર્બનથી લઈને મોટરસાઇકલ સુધીની વસ્તુઓનો સમાવેશ થાય છે.ટ્રમ્પે યુરોપિયન વાઇન અને સ્પિરિટ્સ પર 200 ટકા સુધીના ટેરિફની ચેતવણી આપી છે .
કેનેડાએ પણ ટ્રમ્પની કાર્યવાહીના જવાબમાં, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઇલેક્ટ્રોનિક્સ સહિત લગભગ 42 અબજ ડોલરની યુએસ વસ્તુઓ પર ટેરિફ લાદ્યા છે. દરમિયાન, મેક્સિકોએ કથિત રીતે 2 એપ્રિલ સુધી
તેલ જુઓ તેલની ધાર જુઓ ની નીતિ અપનાવી છે.જો કે વડતા ટેરેપ લાદવા માટે મેક્સિકોએ પણ તમામ તૈયારી કરી લીધી હોવાના નિર્દેશ છે.
ભારત પર રેસીપ્રોકલ ટેરીટ લાગશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા
રસિપ્રોકલ ટેરિફ અંગે ભારતે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. ભારતે જોકે ટેરિફ વોર ટાળવા માટે કેટલાક સમાધાન કરી પગલાંઓ લીધા છે. બજેટમાં લક્ઝરી કાર, સોલર સેલ્સ અને મશીનરી પરની મૂળભૂત કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવામાં આવી હતી, જેમાં ટોચની આયાત ટેરિફ 70 ટકા અને સરેરાશ ટેરિફ 11 ટકાથી નીચે લાવવામાં આવી હતી.ભારતે પહેલાં જ અમેરિકી ઉત્પાદનો જેવા કે બોર્બન વ્હિસ્કી, હાર્લે-ડેવિડસન મોટરસાઇકલ્સ અને અન્ય કેટલીક વસ્તુઓ પર ટેરિફ ઘટાડીને સદભાવના દર્શાવી છે.
માર્ચ 26 થી 29 દરમિયાન, યુએસના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ નવી દિલ્હીમાં હતું. આ વાટાઘાટોમાં મુખ્ય ધ્યાન ટેરિફ અને બિન-ટેરિફ અવરોધો ઘટાડવા, બજાર પ્રવેશ વધારવા અને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) તરફ આગળ વધવા અંગે સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ભારતના વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલે પણ માર્ચની શરૂઆતમાં યુએસની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દે ચર્ચા કરી હતી. અમેરિકા પાસેથી ઓઈલ તથા શસ્ત્રો ખરીદી અને વેપાર ખાધ અડધે સુધી લાવવા માટે ભારતે હકારાત્મક વલણ દાખવ્યું હતું. ટ્રમ્પે પણ ત્રણ દિવસ પહેલા ટેરિફ બાબતે ભારત સાથે બધું સારી રીતે પાર પડી જશે તેવી આશા દર્શાવી હતી. આ સંજોગોમાં બીજી એપ્રિલે હવે શું બને છે તે તરફ ભારતના વ્યાપાર ઉદ્યોગ જગતની પણ મિટ મંડાયેલી છે.