રૈયામાં 45 કરોડની કિંમતી જમીન ઉપર પશ્ચિમ મામલતદારનું બુલડોઝર ફરી વળ્યું
યુએલસી ફાજલ જમીન ઉપર રાજકીય આગેવાનોએ ઓરડી ખડકી વર્ષો સુધી ભાડા ખાધા
રાજકોટ : રાજકોટ શહેરમાં સમાવિષ્ટ રૈયા વિસ્તારમાં યુએલસી ફાજલ થયેલી રેવન્યુ સર્વે નંબર 156ની સરકારી જમીન ઉપર રાજકીય વગદારોએ કોમર્શિયલ અને રહેણાંક ઉપરાંત વરંડા અને ઓરડીઓ ચણી નાખી વર્ષોથી ભાડાની ધીકતી આવક શરૂ કર્યાનું ધ્યાને આવતા પશ્ચિમ મામલતદાર દ્વારા દબાણ હટાવવા કાયદાકીય કાર્યવાહીના અંતે બુધવારે અંદાજે 45 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર રામેશ્વર હોલની સામે આવેલ અંદાજે 5000 ચોરસ મીટર યુએલસી ફાજલ સરકારી જમીન ઉપર લાંબા સમયથી રાજકીય વગ ધરાવતા લોકોએ રહેણાંક, કોમર્શિયલ દબાણો ઉપરાંત વરંડા અને ઓરડી બનાવી ભાડે આપવાનો ધંધો શરૂ કરતા પશ્ચિમ મામલતદાર દ્વારા તલાટી કમ મંત્રી મારફતે તમામ દબાણકર્તાઓને નોટિસ ફટકારી નિયમોનુસાર કાર્યવાહીના અંતે બુધવારે અંદાજે 45 કરોડની કિંમતી જમીન ખાલી કરાવવા ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું હતું.
પશ્ચિમ મામલતદાર અજિતકુમાર જોશીએ જણાવ્યું હતું કે, રૈયા સર્વે નંબર 156ની યુએલસી ફાજલ જમીનમાં પ્રથમ તબક્કે કોમર્શિયલ અને વરંડાના દબાણો પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા છે, વધુમાં હજુ પણ રહેણાંક હેતુ માટેના દબાણો ઉભા છે જે તમામને સમય મર્યાદામાં જગ્યા ખાલી કરવા જણાવવામાં આવ્યું છે અને હવે પછીના તબક્કે આ તમામ રહેણાંક દબાણો હટાવવા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવશે.