નળ-ગટર-લાઈટ-સફાઈ-પાણીની ફરિયાદ કરવી છે ? ડાયલ કરો ૧૫૫૦૩૪
હવેથી ૦૨૮૧-૨૪૫૦૦૭૭ ઉપર સંપર્ક નહીં થાય: દેશની તમામ મહાપાલિકાઓ હવે એક જ નંબર સાથે રહેશે કનેક્ટેડ
રાજકોટમાં ગટર ઉભરાઈ રહ્યાની, સફાઈ વ્યવસ્થિત ન થયાની, સ્ટ્રીટલાઈટ બંધ હોવા સહિતની અનેક ફરિયાદોનો દરરોજ ઢગલો થઈ રહ્યો હોય છે. આ પ્રકારની વર્ષે ૩.૭૫ લાખ ફરિયાદો મહાપાલિકા સંચાલિત કોલ સેન્ટરમાં નોંધાતી હોય છે ત્યારે અત્યાર સુધી આ પ્રકારની તમામ ફરિયાદ ૦૨૮૧-૨૪૫૦૦૭૭ ઉપર કરી શકાતી હતી પરંતુ હવેથી માત્ર ૧૫૫૩૦૪ નંબર પર ડાયલ કરવાની ફરિયાદ નોંધાઈ જશે. મહાપાલિકા દ્વારા જૂના તમામ નંબર બંધ કરીને હવે એકમાત્ર ૧૫૫૩૦૪ નંબર ફરિયાદ માટે શરૂ કરવામાં આવ્યો છે.
મહાપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે ૨૦૦૮થી અમીન માર્ગ પર ૨૪ બાય ૭ દરમિયાન કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જ્યાં તમામ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ભારતની તમામ મહાપાલિકાઓને લગતી તમામ ફરિયાદો માટે અલગ-અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ૧૫૫૩૦૪ નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવ્યો છે. હાલમાં કોલ સેન્ટરના નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭ તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ની જગ્યાએ શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ ડાયલ કરવાથી તમામ ફરિયાદો નોંધાવી શકાશે.
જો કે આ નવી સેવામાં અમુક ટેલીકોમ કંપની જેમાં ખાસ કરીને એરટેલના નંબર પરથી ડાયલ કરવામાં આવે એટલે ફોન તુરંત કટ થઈ જતો હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી હતી જ્યારે બીએસએનએલ, જિયો સહિતના નેટવર્ક પરથી ફોન તુરંત કનેક્ટ થઈ જતો હતો.