ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ભડકો
મેથી કોથમીરના ભાવ આસામને : લીબુએ સેન્ચુરી ફટકારી, ફ્લાવરના દોઢસો
રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિમાં શાકભાજીની આવકમાં ઘટાડો થતા છેલ્લા બે દિવસમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે, વરસાદી મોસમમાં લોકો ગરમા ગરમ ભજીયા ખાઈ રહ્યા છે ત્યારે માર્કેટમાં મેથી અને કોથમીરના ભાવ આસમાને પહોંચી ગયા છે અને 50થી 60 રૂપિયા ખર્ચવા છતાં સારી મેથી મળતી નથી, બીજી તરફ બટાટા, ટમેટા અને મરચાના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમીના તહેવારને કારણે યાર્ડ બંધ રહ્યા બાદ ભારે વરસાદ કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. રાજકોટ શહેરની જુદી-જુદી શાક માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં સરેરાશ 40થી 50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. લોકોના ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતા ટામેટા, કોબીજ, ફ્લાવર, લીંબુ, મરચાં, ગવાર, ચોળી, ભીંડા, કોથમીર, આદું, ડુંગળી, સુકું લસણ સહિતના શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદના કારણે માલ ન આવતા ભાવ વધ્યા હોવાનું હોલસેલ વેપારીઓનું કહેવું છે.
રાજકોટના શાકભાજીના છૂટક વેપારી સુલેમાન મહિડાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે માર્કેટમાં રીંગણ, ફૂલાવર, ટામેટા, ચોળી અને દૂધી સહિતના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત કાકડી, ગુવાર, સરગવો, પરવર, ટીંડોળા, તુરિયા, ગલકાના ભાવમાં પણ વાધારો જોવા મળ્યો છે. હાલમાં ગુવાર, કોબીજ-ફ્લાવર, કોથમરી, મરચા, મેથિયાને રીંગણાં સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે અને વરસાદી માહોલમાં બજારમાં હજુ માલ નહીં આવે તો લોકોએ શાકભાજી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.
શાકભાજીના ભાવ
શાકભાજી ભાવ (પ્રતિ કિલોગ્રામ)
બટાટા – 50-60
ડુંગળી – 50-60
કોથમરી – 200 – 250
ટમેટા – 50-60
રીંગણાં – 50-60
ગુવાર – 80-100
ભીંડા – 60-70
આદુ – 200
મેથી – 250-300
લીંબુ – 100
મરચા – 60
ફ્લાવર – 100-150