બે દિવસ પૂર્વે મંદિરે થયેલ ડખ્ખો આહિય યુવાનની હત્યાનું નિમિત બન્યું
જામનગર રોડ ઉપર હોટલ પાસે સમાધાન માટે બોલાવી હિસ્ટ્રીસીટરની સરાજાહેર હત્યામાં ત્રણ શખ્સોની શોધખોળ
રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયાના પાટિયા પાસે જમાવડો હોટલ નજીક પડધરીના ખંઢેરી ગામે રહેતાં અને ભેસોનો તબેલો રાખી દૂધનો ધંધો કરતાં પ્રકાશભાઈ કાનાભાઈ સોનારા (ઉ.વ.૪૪) નામના આહીર યુવાનની નામચીન શખ્સ સહિત ત્રણ શખ્સોએ સમાધાન માટે બોલાવી સરાજાહેર હત્યા કરી નાસી છૂટયા હોય હત્યારાઓને પકડવા રાજકોટ ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ અને એસઓજીની અલગ અલગ ટીમોએ શોધખોળ શરૂ કરી છે. મૃતક પ્રકાશને મંદિરમાં દર્શન કરવાની બાબતે બે દિવસ પૂર્વે માથાકૂટ થઈ હતી જેમાં મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.
યુનિવર્સિટી પોલીસે મૃતકના ભાઈની વિજયભાઇ કાનાભાઇ સોનારાની ફરિયાદને આધારે ખંઢેરીના નામચીન રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર, મહીપત લક્ષ્મણભાઇ ડાંગર અને સતીષ મેરામભાઈ બાલાસરા પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
મૃતક પ્રકાશભાઇ (ઉ.વ-૪૪) ભેંસોનો તબેલો રાખી પશુપાલનનો વ્યવસાય કરતાં હતા. બે દિવસ પૂર્વે રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર સાથે ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિરે પુજા કરવા બાબતે ઝઘડો થયેલ હતો ત્યારે મૃતકના ભાઈ વિજયભાઇ ત્યાં ગયા હતા
ત્યારે રામદેવ ડાંગરે તેને કહેલું કે તારો ભાઇ અત્યારે મારી સાથે ઝઘડો કરી જતો રહેલ છે તેને સમજાવજે કે મારી સાથે
ખોટા ઝગડા ન કરે અને હવે તારા ભાઇ પ્રકાશને તુ મારશ કે તેને હુ મારૂં તેમ વાત કરી હતી. ત્યારબાદ પ્રકાશને શનિવારે તા-૨૬/૮ના રામદેવ ડાંગર,માહિપત ડાંગર અને ઘંટેશ્વર વાળા સતીષ મેરામભાઇ બાલાસરાએ જામનગર હાઇ-વે રોડ જમાવડો હોટલ નજીક સમાધાન માટે બોલાવ્યો હતો અને કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયા હતા.
મૃતક અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
હત્યામાં સંડોવાયેલ રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર નામચીન બલી ડાંગરના સાગરીત છે તેની સામે રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર, હત્યાની કોશિષ, મારામારી રાયોટ, બળજબરીથી પડાવી લેવું તથા પોલીસની ફરજમાં રૂકાવટ સહિત 20 જેટલા ગુનામાં નોંધાયેલ છે અને તે પાસા હેઠળ જેલ હવાલે પણ થયો હતો. જયારે તેના ભાઈ મહીપત લક્ષ્મણભાઇ ડાંગર સામે અને સતીષ મેરામભાઈ બાલાસરા સામે પણ મારામારી સહિતના ગુના નોંધાયેલા છે. ઉપરાંત મૃતક પ્રકાશ પણ ગેરકાયદેસર હથિયાર સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને તે પાસાં પણ જઈ આવ્યો હતો. હત્યાનું કારણ મંદિરમાં પૂજા છે કે અન્ય કોઈ બાબત તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.