પહાડોને ચીરી રાજકોટના બે સાયકલીસ્ટ 89.30 કલાકમાં 1200 કી.મી.ની રાઈડ કરી ગોવા પહોંચ્યા
બિઝનેસમેન પરેશ બાબરીયા અને હોમમેકર આરતી ચાપાણીએ સાયકલરાઈડમાં રાજકોટનો રેકોર્ડ બનાવ્યો:સાપુતારા,નાસિક, ખંડાલા, મહાબલેશ્વરના સૌથી ઊંચાઈવાળા રસ્તાને પાર કરી મંઝિલ મેળવી
રાજકોટનાં 2 સાયકલીસ્ટએ 89.30 કલાકમાં રોડ રસ્તા અને પહાડોને ચીરીને ગોવા પહોંચી 1200 કિલોમીટરની સાયકલિંગ રેકોર્ડ બનાવ્યો છે. શહેરના બિઝનેસમેન પરેશ બાબરીયા અને હોમમેકર આરતી ચાપાણીએ વડોદરા થી ગોવા માટેની સહ્યાદ્રી ઓડસેય સાયકલ રાઈડમાં ભાગ લઈ 1200 કિલોમીટરની આ રાઇડને સફળતાપૂર્વક પુરી કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
આ રાઈડ પૂરી કરીને આજે સવારે બંને સાયકલલિસ્ટ રાજકોટ પહોંચ્યા છે. ઘર પરિવારની જવાબદારી આરતી ચાપાણીએ 1200 કિલોમીટરની આ ચોથી રાઈડ અને ઇલેક્ટ્રોનિક એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટના બિઝનેસ સાથે જોડાયેલા પરેશ બાબરીયાએ 1200 કિલોમીટરની આ સાયકલ યાત્રા ચોથી વખત સંપન્ન કરી છે.
‘વોઇસ ઓફ ડે’ સાથેના ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં પરેશ બાબરીયાએ જણાવ્યું કે, 90 કલાકમાં વડોદરા થી ગોવા માટેની આ સાયકલરાઈડ પુરી કરવાની હતી. જેમાં 30 જેટલા સાયકલીસ્ટએ પાર્ટિસિપેટ કર્યું હતું, વડોદરા થી ગોવાનો આ 1200 કિલોમીટરના રસ્તામાં સૌથી વધારે ઘાટી આવતી હોવાથી સાયકલ ચલાવવી પડકાર હોય છે, દિવસ રાત અમે સાયકલ ચલાવી છે, અગાઉ પણ રાજકોટ થી શિરોહી,ફ્રાન્સમાં 1200 કી. મી. ની સાયકલ રાઈડ કરી હતી.
આ રાઈડમાં પરેશ બાબરીયા અને આરતી ચાપાણી માટે સૌથી મોટી ચેલેન્જ સાપુતારા,નાસિક, થાણેના ઘાટ પછી લોનાવાલાનો ખંડાલા ઘાટ જ્યાંથી પાસ થયા બાદ પુના નજીકનો સિંહગઢનો ઘાટ, મહાબલેશ્વરનો બોરનો પહાડી વિસ્તાર અને આ બધા જ રૂટમાં સૌથી અઘરામાં અઘરો ઘાટ હોય તો તેથી મહાબળેશ્વરનો બોરઘાટ. 1700 મીટર નો આ રસ્તો કાપી એટલે 32 કિલોમીટરની રાઈડ પૂરી થાય છે. ત્યાર પછી સતારા અને કોલ્હાપુરથી પસાર થઈ અંબોલી ઘાટ પસાર કરીએ એટલે પહાડી વિસ્તાર પૂરો થાય અને ત્યારબાદ અમે સાયકલ ગોવા પહોંચ્યા હતા. 89 કલાક અને 30 મિનિટ અમને 1200 કિલોમીટર ની આ સાયકલ રાઈડ પૂરી કરતા થઈ હતી.
પહાડી વિસ્તાર પડકારજનક,6 સાયકલીસ્ટએ અધવચ્ચેથી પરત ફર્યા
આ અદભુત એડવેન્ચરના અનુભવ વિશે બંને સાયકલિસ્ટએ જણાવ્યું હતું કે, સાયકલ પર ગમે એટલું અંતર હોય તે કાપી શકાય છે, જ્યારે વડોદરા થી ગોવાના રોડ પર સૌથી વધારે પહાડી વિસ્તાર હોવાથી તે સાયકલીસ્ટ માટે પડકારજનક હોય છે, જ્યારે અમે આ રાઈડ શરૂ કરી ત્યારે શરૂઆત જ સાપુતારાના ઘાટ સાથે થઈ હતી, 6 રાઇડર તો અધવચ્ચેથી જ આ રાઈડ મૂકીને ચાલ્યા ગયા હતા તો અમુક રાઇડર્સ 90 કલાક પહેલા પહોંચી ગયા હતા તો અમુક 90 કલાક બાદ પહોંચ્યા હતા. પહાડી વિસ્તાર ઉપરાંત રોડ રસ્તા ખૂબ જ ખરાબ થઈ ગયા છે જેમાં એક ઇંચનો ખાડો પણ સાયકલ રાઇડ દરમિયાન કઠિન લાગે છે, અમુક વિસ્તારોમાં ટ્રાફિક હોવાના લીધે પણ અમારો શેડ્યુલ વિખાઈ જતો હતો.