ટ્રાફિક વૉર્ડન વાહનો ઉભા ન રાખી શકે કે ચેક ન કરી શકે
રાજકોટ સહિત આખા ગુજરાતમાં વૉર્ડનનો કાળો કેર' વરસી રહ્યાની ફરિયાદો વચ્ચે ગુજરાત પોલીસે કરેલી સ્પષ્ટતા: વૉર્ડનનું કામ માત્રને માત્ર ટ્રાફિક સંચાલન સુચારું રૂપે થાય તે જોવાનું છે: ટ્રાફિક વૉર્ડન તોછડું વર્તન કરે કે નિયમભંગ કરે તો તાત્કાલિક ટ્રાફિક બ્રાન્ચમાં તેની ફરિયાદ કરવા લોકોને અપીલ
રાજકોટ સહિત આખા ગુજરાતમાં ટ્રાફિક વૉર્ડન કે જે સફેદ શર્ટ અને બ્લુ પેન્ટ પહેરીને ચોકમાં કે અન્ય રસ્તાઓ પર ગોઠવાયેલા હોય છે તેમના વિરુદ્ધ રોજ ફરિયાદો ન આવે તો જ નવાઈ પામવા જેવું રહે છે ! દિવસેને દિવસે ટ્રાફિક વૉર્ડનોની વધી રહેલી
દાદાગીરી’, તેમના દ્વારા કરાતા નિયમભંગ, પોતાને પોલીસ સમજવાની ગુસ્તાખી સહિતના અનેક વિવાદો તો સામે આવી જ રહ્યા છે સાથે સાથે `તોડ’માં પણ વૉર્ડનો ઝળકવા લાગતા આખરે ગુજરાત પોલીસ દ્વારા આ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરતી જાણકારી લોકોને આપવામાં આવી છે.
ગુજરાત પોલીસ દ્વારા સ્પષ્ટપણે કહેવાયું છે કે ટીઆરબી (ટ્રાફિક વૉર્ડન)નું કામ પોલીસની મદદમાં જ રહેવાનું છે નહીં કે પોલીસ બનીને કાર્યવાહી કરવાનું ! ટ્રાફિક વૉર્ડન માત્રને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને ટ્રાફિકની અવર-જવર સરળતાથી થઈ શકે તે જોવાનું છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહન ઉભા ન રાખી શકે કે કોઈ વાહનનું ચેકિંગ કરીને ચાલક પાસેથી દસ્તાવેજો ન માંગી શકે કે ન તો મેમો ફાડીને દંડ વસૂલી શકે.
ખાસ કરીને ટીઆરબી જવાન ફરજ દરમિયાન બહારના કોઈ પણ વ્યક્તિને તેની સાથે મદદમાં રાખી ન શકે. જો આ પૈકીનો એકેય નિયમભંગ થતો હોય કે વૉર્ડન દ્વારા કોઈ પ્રકારની ગેરવર્તણુંક કરવામાં આવી રહી હોય તો જે તે શહેરની ટ્રાફિક બ્રાન્ચમાં જઈને ફરિયાદ કરી શકાય છે.
રાજકોટમાં ઉલટી ગંગા: પોલીસ સાઈડમાં બેસે’ને વૉર્ડન વાહન રોકીને શેખી' હાકે !!
ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક વૉર્ડનની
કામગીરી’ સમજાવતી સ્પષ્ટતા ભલે કરવામાં આવી હોય પરંતુ રાજકોટમાં તેની કોઈ ખાસ અસર થતી ન હોવાનું અથવા તો થવા દેવાની ઈચ્છા ન હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે. એકંદરે અહીં ઉલટી ગંગા વહેતી હોય તેવી રીતે શહેરના અનેક ચોકમાં ટ્રાફિકનું સંચાલન માત્રને માત્ર વૉર્ડન જ કરતા હોવાનું ધ્યાન પર આવ્યું છે તો વળી અમુક સિગ્નલો પર એવા દૃશ્યો પણ જોવા મળે છે જ્યાં પોલીસ સાઈડમાં બેઠી હોય કે પછી અન્ય કોઈ પ્રવૃત્તિમાં રત હોય છે અને ટ્રાફિક વૉર્ડન વાહન રોકીને ચાલક પાસેથી લાયસન્સ-પીયુસી સહિતના દસ્તાવેજો માંગતા હોય છે.
રાજકોટમાં વૉર્ડન સામે અનેક ફરિયાદો, ગણ્યાગાંઠ્યા સામે જ થાય છે કાર્યવાહી
શહેરમાં ટ્રાફિક વૉર્ડન દ્વારા નિયમની મર્યાદા ઓળંગીને કાર્યવાહી કરવામાં આવી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે પરંતુ તેમાંથી મહત્તમ ફરિયાદોમાં કાર્યવાહી કરાઈ ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્યાર સુધી જે પણ વૉર્ડનોને છૂટા કરવામાં આવ્યા છે તેઓ કાં તો નિયમભંગ કરતા સીસીટીવીમાં કેદ થયા છે અથવા તો તેમનો રોકડ લેતો વીડિયો વાયરલ થયા બાદ જ કાર્યવાહી કરાઈ છે. જો કે અનેક વિસ્તારોમાં વૉર્ડન હજુ પણ કાયદાની ઐસી તૈસી કરી રહ્યા છે.
વૉર્ડનને કોઈ ગણકારતું નથી એટલે જ સર્જાય છે ટ્રાફિકજામ
રાજકોટના અનેક વિસ્તારોમાં ચોક્કસ સમયે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય રહી છે ત્યારે તેના પાછળ ટ્રાફિક વૉર્ડનને કોઈ ગણકારતું નથી તેને પણ ગણી શકાય. ભૂતખાના ચોક, નાણાવટી ચોક સહિતના અનેક સંવેદનશીલ પોઈન્ટ કે જ્યાંથી દૈનિક હજારો વાહનો અવર-જવર કરે છે ત્યાં માત્રને માત્ર વૉર્ડન જ તૈનાત હોવાને કારણે ચાલકો વૉર્ડનને કશો ભાવ આપતા નથી અને બિન્દાસ્તપણે ઉભા રહ્યા વગર વાહન ચલાવતા હોય ટ્રાફિકજામ થઈ રહ્યો છે.