નાણાંવટી ચોક: ૧૦ મિનિટમાં ૭ વખત ટ્રાફિકજામ, ૬ એમ્બ્યુલન્સનું પાસિંગ: પોલીસે કહ્યું, આ તો બહુ મોટી સમસ્યા છે !!
ટ્રાફિકજામ માટે હોટસ્પોટ' બની ગયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરી તંત્રની આંખ ઉઘાડવાનો
વૉઈસ ઑફ ડે’નો નવતર અભિગમ
પોલીસને સાથે રાખી કરાયેલા રિયાલિટી ચેકમાં રીતસરનો ટ્રાફિકટેરર': ૭:૦૦ વાગ્યાથી ૭:૧૦ વાગ્યા સુધીમાં અંદાજે ૧૫૦૦ નાના-મોટા વાહનો પસાર થયા પણ કોઈ પાસે ઉભા રહેવાનો સમય જ ન્હોતો: બ્રિજ બની ગયા બાદ ટ્રાફિક ઘટવાની જગ્યાએ વધી જવા પાછળનું કારણ શું ? પેટા: ટ્રાફિક પીઆઈ વી.આર.રાઠોડ, પીએસઆઈ જે.જી.રાણા તેમજ સ્ટાફે ટ્રાફિક ક્લિયર કેમ કરાવવો તેને લઈને એક વખત વિચારવું પડ્યું !
રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા કેવી અને કેટલી છે તેના ઉપર લખવું હોય તો કદાચ આખું પુસ્તક લખાઈ જાય અને કદાચ એ પણ ટૂંકું પડી શકે ! જેમ જેમ શહેરની વસતી અને વિસ્તાર વધી રહ્યા છે તેમ તેમ વાહનોની સંખ્યા પણ વધી રહી છે જેના કારણે કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં ટ્રાફિકજામ સર્જાતો નહીં હોય. લોકોની આ જ
પીડા’ને તંત્ર સુધી પહોંચાડી તેની આંખ ઉઘાડવા માટે વૉઈસ ઑફ ડે' દ્વારા પોલીસને સાથે રાખી ટ્રાફિકજામ માટે
હોટસ્પોટ’ બની ગયેલા વિસ્તારનું રિયાલિટી ચેક કરવાનો નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત જ્યાં આખો દિવસ ટ્રાફિકજામ સર્જાય છે તે ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલા નાણાવટી ચોકનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ૧૦ જ મિનિટની અંદર ૭ વખત ટ્રાફિકજામ થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ જ ૧૦ મિનિટમાં અહીંથી ૬ જેટલી એમ્બ્યુલન્સ પસાર થઈ હતી જેને પસાર થવામાં અડચણ પહોંચી હતી.
આ વેળાએ વૉઈસ ઑફ ડે'ની સાથે રહેલી પોલીસે પણ સ્વીકાર્યું હતું કે અહીં ટ્રાફિકની સમસ્યા બહુ જ વિકરાળ છે !
વૉઈસ ઑફ ડે’ દ્વારા સાંજે ૭:૦૦ વાગ્યાથી રિયાલિટી ચેક કરાયું હતું જે ૭:૧૦ વાગ્યા સુધી ચાલ્યું ત્યાં સુધીમાં અહીંથી ૧૫૦૦ વાહનો પસાર થયા હતા પરંતુ કોઈ પાસે ઉભા રહેવાનો સમય ન હોય આખરે ટ્રાફિકજામ થવા લાગ્યો હતો. મહત્ત્વનું એ છે કે અહીં ટ્રાફિક સમસ્યા ઘટે તે માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનાથી સમસ્યા ઘટવાની જગ્યાએ વકરી રહી છે !
`વૉઈસ ઑફ ડે’ની આ ઝુંબેશમાં ટ્રાફિક પીઆઈ વી.આર.રાઠોડ, પીએસઆઈ જે.જી.રાણા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તેઓ પણ અહીં સર્જાયેલો ટ્રાફિકજામ કેવી રીતે ક્લિયર કરાવવો તેને લઈને એક વખત મુંઝવણમાં મુકાઈ ગયા હતા !
પોલીસની સ્ટે્રન્થ ઓછી છે તેવો જવાબ જૂનો થઈ ગયો, સજ્જડ પગલાં જરૂરી
જ્યાં-જ્યાં ટ્રાફિકજામ થાય છે તેની સમસ્યા સામે આવે એટલે પોલીસ દ્વારા `રટણ’ કરાયેલો એક જ જવાબ આપી દેવામાં આવે છે કે સ્ટે્રન્થ ઓછી છે. શું પોલીસનું સ્ટે્રન્થ ઓછી હોય એટલે ટ્રાફિકજામ થયે રાખવા દેવાનો ? આ સવાલ શહેરીજનો પૂછી રહ્યા છે સાથે સાથે એમ પણ કહી રહ્યા છે કે સ્ટે્રન્થનો મુદ્દો બહુ જૂનો થઈ ગયો છે એટલા માટે એકનું એક ગીત ગાવાની જગ્યાએ પોલીસ દ્વારા સજ્જડ પગલાં લેવામાં આવે તે જરૂરી બની જાય છે.
નાની-મોટી અનેક હોસ્પિટલો આવેલી હોય એમ્બ્યુલન્સનું નીકળવું બની જાય છે મુશ્કેલ
નાણાવટી ચોક પાસે અનેક નાની-મોટી હોસ્પિટલો આવેલી હોય અહીંથી આખો દિવસ ઈમરજન્સીમાં સાયરન વગાડતી એમ્બ્યુલન્સ પસાર થાય છે પરંતુ ત્યારે જ ટ્રાફિકજામ થઈ ગયો હોવાથી તેનું પસાર થવું મુશ્કેલી બની જાય છે. આટલું ઓછું હોય તેમ અહીં બીઆરટીએસ રૂટ હોય તેની બસો અવર-જવર કરે છે તો એસ.ટી. તેમજ મોટા ટ્રક પણ અહીંથી પસાર થતાં હોય માથું ફાટી જાય તેવો ટ્રાફિક અહીં થઈ રહ્યો છે.
સવારે ૮થી રાત્રે ૮ સુધીમાં ૬૦થી ૭૦ હજાર વાહનોની અવર-જવર
પોલીસ તેમજ મહાપાલિકા તંત્ર પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે નાણાવટી સર્કલ પાસેથી સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૬૦થી ૭૦ હજાર વાહનોની અવર-જવર થઈ રહી છે. આટલા વાહનો પસાર થતા હોય ત્યારે અહીં સજ્જડ બંદોબસ્તની સાથે સાથે પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી બની જાય છે.
નાણાવટી ચોકથી કયા કયા વિસ્તારમાં જઈ શકાય છે ?
- સીનર્જી હોસ્પિટલ સર્કલ
- શીતલ પાર્ક સર્કલ
- રામાપીર ચોકડી
- નાણાવટી ચોક
- રૈયા ચોકડી
- હનુમાન મઢી
- ગાંધીગ્રામ
- સાધુ વાસવાણી રોડ
- રૈયા ગામ
- કાલાવડ રોડ
- ઈન્દીરા સર્કલ
- કેકેવી હોલ
- બિગબજાર સર્કલ
- નાનામવા સર્કલ
- બાલાજી હોલ સર્કલ
- ઓમનગર સર્કલ
હેલમેટ નહીં પહેરવા, નિયમભંગ કરનારા લોકોએ કેવા કેવા બ્હાના બનાવ્યા ?વૉઈસ ઑફ ડે'-પોલીસ દ્વારા રિયાલિટી ચેક દરમિયાન હેલમેટ નહીં પહેરવા તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકોને સવાલો પૂછવામાં આવ્યા હતા જેમણે અવનવા બહાના બતાવી છટકવાનો પ્રયાસ કર્યો હતો ! અમુક લોકોએ હેલમેટ નહીં પહેરવા પાછળ માથા પર ભાર લાગવો, પહેરવું નહીં ગમતું હોવાનું કહ્યું હતું તો ત્રીપલસ્વારીમાં જઈ રહેલા લોકોએ
અમે તો થોડે જ દૂર જઈ રહ્યા છીએ’ તેવો જવાબ આપ્યો હતો જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી !!
વૉઈસ ઑફ ડે'નું તંત્રને સુચન: સર્કલ નાનું કરવું, ટ્રાફિક સિગ્નલ મુકવું, સ્ટાફની સંખ્યા વધારવી જરૂરી
પાંચ પોલીસ-વૉર્ડનની જરૂર છે જેની સામે માત્ર ત્રણ જ મુકાતાં હોય સમયસર ટ્રાફિક ક્લિયર થઈ શકતો નથી
મહાપાલિકાએ ચોકની
શોભા’ વધારવા માટે પીપીપી ધોરણે સર્કલ આપી દીધું જેની ફરતે ફૂટપાથ અઢીથી ત્રણ ફૂટ હોય ટ્રાફિકજામ માટે બને છે નિમિત્ત', વાહનોની અવર-જવરની સાપેક્ષમાં સર્કલની સાઈઝ અત્યંત મોટી, કાં નાનું કરાય કાં હટાવી જ દેવાય તો સમસ્યા હલ થઈ શકે
ટ્રાફિક સિગ્નલના અભાવે એક પણ વાહન ઉભું રહેતું નથી, એસ.ટી. સિટી બસ, મહાકાય ટ્રક અહીંથી પસાર થતાં હોય તાકિદે તે મુકવું જરૂરી: સિગ્નલ મુકવાથી ચાલકોને
અગવડ’ પડશે તેવી માની શકાય પરંતુ દરેક વાહન છૂટથી પસાર થઈ શકશે તે વાસ્તવિક્તા
નાણાવટી ચોકમાં ટ્રાફિકજામ થાય છે તે વાત ખુદ પોલીસે પણ સ્વીકારી લીધી છે ત્યારે આ સમસ્યા ન સર્જાય તેના માટે શું કરી શકાય તેના માટે વૉઈસ ઑફ ડે' દ્વારા પોલીસ તેમજ મહાપાલિકા તંત્રને અમુક સુચન પણ કરવામાં આવી રહ્યા છે જેનો તાકિદે અમલ કરવામાં આવે તો આ સમસ્યા મહદ અંશે અથવા તો સાવ ઘટી જ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
પહેલું સુચન
વૉઈસ ઑફ ડે’નું તંત્રને સૌથી પહેલી સુચન એ છે કે નાણાવટી ચોક પાસેનું સર્કલ જે મહાપાલિકાએ પીપીપી ધોરણે ખાનગી હોસ્પિટલને સોંપી દીધું છે અને તેના ડેવલપમેન્ટની જવાબદારી હોસ્પિટલની રહે છે તેને ટૂંકું કરવાનું છે. આ સર્કલ ઘણું જ મોટું હોવાને કારણે અહીંથી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે સાથે સાથે સર્કલની ફરતે બેથી અઢી ફૂટની ફૂટપાથ બનાવાઈ છે જે બિનઉપયોગી હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે કાં તો સર્કલને નાનું કરવામાં આવે અથવા તો ફૂટપાથ હટાવી દેવાય તો સમસ્યાથી છૂટકારો મળી શકે છે.
બીજું સુચન
તંત્રને બીજું સુચન એ છે કે શહેરના લગભગ દરેક વિસ્તારો કે જ્યાં વાહનોની મોટી સંખ્યામાં અવર-જવર રહે છે ત્યાં સુચારું રૂપે નિયમન થાય તે માટે ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યા છે ત્યારે જો અહીં ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવે તો સમસ્યા ઘટાડી શકાય તેમ છે. સિગ્નલ મુકાઈ જવાથી જે બાજુની સાઈડ ખુલશે તે બાજુના જ વાહનો પસાર થઈ શકશે બાકીની ત્રણ સાઈડના વાહનો સિગ્નલ ન ખુલે ત્યાં સુધી ઉભા રહેશે જેના કારણે ભારણમાં ઘટાડો લાવી શકાશે. અહીંથી મોટા વાહનો પસાર થતાં હોય સિગ્નલ મુકવું જરૂરી બની જાય છે. થોડો સમય માટે લોકોને અગવડ પડશે તેમ માની શકાય પરંતુ સમસ્યાનો અંત જરૂર આવી જશે.
ત્રીજું સુચન
ત્રીજું સુચન એ છે કે અહીં પોલીસ કે ટ્રાફિક વૉર્ડન સમયસર ઉપલબ્ધ રહેતા જ ન હોવાથી આખોયે ચોક ધણીધોરી વગરનો જોવા મળતો હોય છે એટલા માટે સૌથી પહેલાં અહીં પૂરતો સ્ટાફ મુકવાની તાતી જરૂરિયાત લાગી રહી છે. જો અહીં સ્ટાફ હાજર હશે તો જામ થાય કે તુરંત જ તેઓ ક્લિયર કરાવવા માટે જહેમત ઉઠાવી શકશે.
ચોથું સુચન
ચોથું સુચન એ છે કે ચોક પાસે આવેલા કોમ્પલેક્સની ફૂટપાથ કે જ્યાં વાહન પાર્ક કરવાના હોય છે ત્યાંથી જે પ્રમાણે વાહનો પસાર થાય છે તે બંધ કરાવવા જોઈએ કેમ કે ઘણાખરા વાહનો આ ફૂટપાથ પરથી મુખ્ય રોડ સુધી આવી જાય છે જ્યાં પહેલાંથી જ મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો હોવાથી ફૂટપાથ પરથી રોડ સુધી આવેલા વાહનો તેમાં ભળી જતાં હોવાથી આડેધડ વાહનો ખડકાઈ જાય છે.
અધિકારીઓ હાજર હોય ત્યારે જ નહીં, કાયમી પોલીસ-વૉર્ડન મુકાવા જોઈએ
રિયાલિટી ચેકમાં એવું પણ ધ્યાન પર આવ્યું કે પીઆઈ-પીએસઆઈ સહિતના અધિકારીઓ હાજર હોવાને કારણે વૉર્ડન દ્વારા સુચારું રીતે ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જો કે વાસ્તવિક્તા એ છે કે અન્ય દિવસોમાં અહીં પોલીસ કે વૉર્ડન હાજર હોતા જ નથી એટલા માટે કાયમી અહીં ફરજ સોંપાય તે જરૂરી છે.
જરૂર પડ્યે ડ્રાઈવ ચલાવીને દંડ વસૂલાત કરાય તો ઘણો સુધારો થઈ જશે
પોલીસ દ્વારા દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ યોજીને નિયમભંગ કરનારા લોકો પાસેથી દંડ વસૂલાય રહ્યો છે ત્યારે નાણાવટી ચોકમાં પણ આ પ્રકારની ડ્રાઈવ યોજીને નિયમનો ઉલાળિયો કરતા ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે તો આ સમસ્યામાં ઘણો સુધારો શહેરીજનો જોઈ રહ્યા છે.